Tue Jun 09 2026

Logo

ક્રૂડતેલ ઉછળતા વિશ્વ બજાર પાછળ સેન્સેક્સ 719 પૉઈન્ટ અને નિફ્ટી 243 પૉઈન્ટ ગબડ્યો

2026-06-08 20:39:51
Author: Ramesh Gohil
Article Image

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ. 5555.67 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 5165.24 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની સાથે આજે બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં 4.10 ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક સ્તરે અવિરત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 47 પૈસા નબળો પડ્યો હોવાથી બજાર સતત બીજા સત્રમાં ઘટાડાતરફી રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ 719.08 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 243.70 પૉઈન્ટ ગબડી ગયો હતો. 

એક્સચેન્જની અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ. 8842.08 કરોડની ખરીદી સામે રૂ. 14,397.75 કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. 5555.67 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,683.18 કરોડની ખરીદી સામે રૂ. 11,517.94 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5165.24 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. તેમ જ આજે બજારમાં કડાકો બોલાઈ જતાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 6,31,440.41 કરોડ ઘટીને રૂ. 4,55,28,758.96 કરોડની સપાટીએ રહ્યું હતું. આમ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.31 લાખ કરોડનું ધોવાણ થયું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 74,243.34ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 73,421.61ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 73,318.94 અને ઉપરમાં 73,934.35ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 719.08 પૉઈન્ટ અથવા તો 0.97 ટકા ઘટીને 73,524.26ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 23,366.70ના બંધ સામે 23,080.70ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 23,070.15થી 23,267.30ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 243.70 પૉઈન્ટ અથવા તો 1.04 ટકા ઘટીને 23,123ની સપાટીએ બંધ રહ્યો હતો. 

ઈઝરાયલે લેબેનોન પર હુમલા ચાલુ રાખતા ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા કર્યાના અહેવાલ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં લગભગ ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને ભાવ બેરલદીઠ 96 ડૉલર આસપાસ ક્વૉટ થથાં ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવી હોવાથી વૈશ્વિક બજારો દબાણ હેઠળ રહ્યા હતા. તેમ જ વૈશ્વિક સ્તરે એઆઈ અને સેમિક્નડક્ટર શૅરોમાં નફારૂપી વેચવાલી અને સ્પેસએક્સનાં મેગા આઈપીઓ પૂર્વે પ્રવાહિતાના લગતી વેચવાલી જેવા કારણો ઉપરાંત સ્થાનિક સ્તરે નબળા ચોમાસાની આગાહીને કારણે ખાદ્ય ચીજોનો ફુગાવો વધવાની ભીતિ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી આગામી ટૂંકા સમયગાળાના પડકારો છે, એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં વેલ્થ મેનેજમેન્ટ વિભાગના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એનરીચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાનો તણાવ સપાટી પર આવતાં આજે વિશ્વ બજાર પાછળ સ્થાનિક સ્તરે પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું.

પશ્ચિમ એશિયાના તણાવમાં વધારો થવાને કારણે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની સપાટી તરફ ધસમસી રહ્યા હોવાથી અને રોકાણકારોમાં એઆઈના નેજા હેઠળની રેલી જળવાઈ રહેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા હોવાથી ટેક્નોલૉજી શૅરોમાં વેચવાલીનું દબાણ વધતાં વૈશ્વિક ઈક્વિટી બજારનું માનસ ખરડાયું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

બૉમ્બે સ્ટોક એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે કુલ 4537 શૅરમાં કામકાજ થયા હતા. જેમાંથી 1181 શૅરના ભાવ વધીને, 3192 શૅરના ભાવ ઘટીને અને 164 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 145 શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ અને 11 શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીએ રહ્યા હતા અને પાંચ શૅરના ભાવમાં નીચલી સર્કિટ લાગી હતી. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ 1.79 ટકાનો સુધારો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટૅક મહિન્દ્રામાં 1.35 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.20 ટકાનો, ભારતી એરટેલમાં 0.93 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 0.42 ટકાનો, એનટીપીસીમાં 0.30 ટકાનો અને સન ફાર્મામાં 0.28 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈટર્નલમાં 3.24 ટકાનો, ઈન્ડિગોમાં 2.61 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.51 ટકાનો, રિલાયન્સન ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસમાં 2.13 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 2.05 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.61 ટકાનો અને મિડકેપ ઈન્ડકક્સમાં 1.51 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2.57 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 2.43 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 2.28 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 2.09 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 2.06 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.98 ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં 1.85 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર બીએસઈ હોસ્પિટલ ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો. 

એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી 8.29 ટકા અને જાપાનનો નિક્કી 225 3.85 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ શાંઘાઈનો એસએસઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યો હતો અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જ જોવા મળ્યું હતું.