નવી દિલ્હીઃ ભારતમાં મુસાફરી માટે લોકો સૌથી વધારે ઉપયોગ ટ્રેનનો કરે છે. પ્રતિદિન હજારો લાખોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરી છે. જેના દ્વારા ભારતીય રેલવેને કરોડો રૂપિયાની આવક થાય છે. ભારતમાં અનેક પ્રકારની ટ્રેનો ચાલી રહી છે, જેમાં એક્સપ્રેસ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન, નગર એક્સપ્રેસ, વંદે ભારત જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે. પરંતુ તમને ખબર છે કે, કઈ ટ્રેનથી રેલવે વિભાગને સૌથી વધારે કમાણી થાય છે? ચાલો વિગતે જાણીએ...
ભારતીય રેલવેના આવકના રિપોર્ટમાં થયો ખુલાસો
ભારતીય રેલવે દ્વારા ટ્રેન રેવન્યુ રિપોર્ટ 2026 જાહેર કરવામાં આવ્યો તેને જોતા આશ્ચર્ય થઈ રહ્યું છે. સામાન્ય રીતે મોટાભાગે વંદે ભારત એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો દ્વારા રેલવે વિભાગને વધારે આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે જાહેર કરેલા રિપોર્ટમાં સમીકરણો બદલાઈ ગયાં છે. નાણાકીય વર્ષ 2025-26 ના રિપોર્ટમાં સૌથી વધુ કમાણીમાં વંદે ભારત એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દીનું નામ નથી.
એક વર્ષમાં 40.56 કરોડ રૂપિયાની કમાણી કરી
નાણાકીય વર્ષ 2025-26 ના રિપોર્ટ પ્રમાણે ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસ ટ્રેને કમાણીમાં બાકી બધી ટ્રેનોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે આ ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસે લગભગ 40.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે નાણાકીય વર્ષ 2025-26ની સૌથી વધુ કમાણી કરતા ટ્રેન બની ગઈ છે. મોટા ભાગે ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેન દ્વારા વધારે આવક થતી હોય છે પરંતુ આ વખતે આ યાદીમાં ડૉ.આંબેડકર નગર એક્સપ્રેસ પ્રથમ કમે આવી ગઈ છે.
ડો. આંબેડકર નગર એક્સપ્રેસે તોડ્યો કમાણીનો રેકોર્ડ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ડો. આંબેડકર નગર થી કામખ્યા અને પ્રયાગરાજ સુધી વિવિધ એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. જેમાં ડો. આંબેડકર નગર-કામખ્યા એક્સપ્રેસ (19305/19306) અને પ્રયાગરાજ- ડો. આંબેડકર નગર એક્સપ્રેસ (14116/19664) મુખ્ય છે. આ ટ્રેનો મધ્યપ્રદેશના ઈન્દોર નજીકના મહુને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. એપ્રિલ 2026 ના અહેવાલો મુજબ, ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસે કમાણીમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે.