અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમ અજેય રહી હતી, પરંતુ સુપર-8 સ્ટેજની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હાર મળી. આ હારને કારણે ભારતીય ટીમના ખેલાડીઓના મનોબળને ધક્કો લાગ્યો છે, આ મેચમાં ભારતીય ટીમે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ 0 રને આઉટ થયા, આ સાથે ભારતીય ટીમના ખેલાડીઓએ આ T20 વર્લ્ડ કપમાં 0 પર સૌથી વધુ આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે.
ક્યાં ખેલાડી 0 પર આઉટ થયા?
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ કુલ મળીને 11 વખત શૂન્ય રન પર આઉટ થયા છે, આ ટુર્નામેન્ટમાં અભિષેક શર્મા સૌથી વધુ ત્રણ વખત શૂન્ય રનમાં આઉટ થયો છે. અક્ષર પટેલ બે વાર શૂન્ય રનમાં આઉટ થયો છે. શિવમ દુબે, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને રિંકુ સિંહ એક-એક વખત શૂન્ય રનમાં આઉટ થયા છે.
ICC T20 રેન્કિંગમાં વિશ્વની નંબર-1 ટીમ ભારતના ખેલાડીઓઓ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થયા છે, અને વિશ્વનો નંબર-1 T20 બેટર અભિષેક પણ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થયો છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ઇટાલીના ખેલાડીઓ આઠ વખત શૂન્ય રનમાં આઉટ થયા છે, ઓમાનના ખેલાડીઓ સાત વખત શૂન્ય રન પર આઉટ થયા હતા, જ્યારે પાકિસ્તાનના ખેલાડીઓ કુલ છ વખત 0 પર આઉટ થયા છે.

દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ લાઈનઅપ નિષ્ફળ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની બેટિંગ લાઈનઅપ નિષ્ફળ રહી. ભારતના ત્રણ બેટર્સ ખાતું ખોલવી ન શક્યા. ઈશાન કિશન, રિંકુ સિંહ અને જસપ્રીત બુમરાહ 0 રન પર આઉટ થયા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા હતાં, રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ ફક્ત 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર મળતા ભારતીય ટીમની નેટ રન રેટ ઘટી ગઈ છે, જેને કારણે ટીમનું સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. સુપર-8 સ્ટેજમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમશે, આ બંને મેચ ભારતે મોટા માર્જિનથી જીતવી પડશે.