Fri May 01 2026

Logo

ભારતે યુએસ-ઈરાન યુદ્ધવિરામને વધાવ્યો; જાણો હોર્મુઝ સ્ટ્રેટ અંગે શું કર્યું

2026-04-08 15:30:29
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: એક મહિનાથી વધુ સમય ચાલેલા સંઘર્ષ બાદ યુએસ અને ઈરાન બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમત થયા છે. આજે બુધવારે ભારતે આ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે, આ સાથે ભારતે આશા વ્યક્ત કરી છે કે આ કામચલાઉ યુદ્ધવિરામ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે.

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંને દેશોને સતત તણાવ ઓછો કરવાની અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સંઘર્ષનો વહેલાસર સપૂર્ણ અંત લાવવા માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસો પર ભાર મુક્યો.વિદેશ મંત્રાલયે નિવેદનમાં સંઘર્ષની વ્યાપક માનવતાવાદી અને આર્થિક અસર પર પણ પ્રકાશ પડ્યો. મંત્રાયલે લખ્યું કે લોકો પીડામાંથી પસાર થયા છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠા અને વેપાર નેટવર્કમાં વિક્ષેપ પડ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે:
વિદેશ મંત્રાલયે લખ્યું કે ભારતને આશા છે કે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે જહાજોની સ્વતંત્ર રીતે અવરજવર ફરી શરુ થશે અને વાણિજ્યના વૈશ્વિક પ્રવાહ પૂર્વવત થશે. 

નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક પેટ્રોલિયમ શિપમેન્ટ માટે ખુબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણો મુકતા વિશ્વભરના ઊર્જા બજારોમાં અસ્થિર થઇ ગયા હતાં.ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનું પોતાનું વલણ ફરી એક વાર સ્પષ્ટ કર્યું.

ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી:
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે વાતચીત બાદ હું બે અઠવાડિયાના સમયગાળા માટે ઈરાન પર બોમ્બમારો અને હુમલાને સ્થગિત કરવા સંમત છું. ઈરાનમાં મોકલવામાં આવી રહેલા વિનાશક દળને રોકી દેવામાં આવ્યા છે અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક સંપૂર્ણપણે ખોલવા માટે સંમત થયું છે."