Wed Aug 26 2026

Logo

ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત વિરુદ્ધ પાકિસ્તાનઃ હરમનની ટીમ જીતવા માટે ફેવરિટ

Birmingham   2026-06-14 16:19:32
Author: Ajay Motiwala
ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત વિરુદ્ધ પાકિસ્તાનઃ હરમનની ટીમ જીતવા માટે ફેવરિટ

બર્મિંગમઃ મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં આજે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. પુરુષોની ક્રિકેટમાં બન્ને દેશ વચ્ચેની કોઈ પણ મૅચ ફાઇનલ જેવી અને હાઇ-પ્રોફાઇલ બની જતી હોય છે એમ હવે ધીમે-ધીમે મહિલાઓની ક્રિકેટમાં પણ ભારત-પાકિસ્તાન મુકાબલો ચર્ચાસ્પદ થઈ રહ્યો છે અને એવો એક જંગ આજે જોવા મળશે. આ વર્લ્ડ કપમાં ભારતની આ પહેલી જ મૅચ છે.

જોકે વન-ડે વર્લ્ડ ચૅમ્પિયન ભારત આજની ટી-20 ટક્કર જીતવા માટે ફેવરિટ છે, કારણકે હેડ-ટુ-હેડમાં ભારત (ટી-20 વિશ્વ કપમાં) 6-2થી અને (એકંદરે ટી-20માં) 13-3થી આગળ છે. ભારતીય ટી-20 ટીમ હાલમાં બહુ સારા ફૉર્મમાં છે. તેમણે છેલ્લા થોડા મહિના દરમ્યાન ઑસ્ટ્રેલિયાને 2-1થી, ઇંગ્લૅન્ડને 3-2થી તેમની ધરતી પર હરાવ્યા છે અને ઘરઆંગણે શ્રીલંકા સામે 5-0થી વિજય મેળવ્યો છે.

ભારત-પાકિસ્તાન મુકાબલો હંમેશાં `ગ્રૂપ ઑફ ડેથ' ગણાય છે અને આજે બેઉ ટીમના ખેલાડીઓ થોડા માનસિક દબાણમાં તો રમશે જ. જોકે ભારત (INDIA)ની ટીમ ખૂબ જ સંતુલિત મનાય છે. ઓપનિંગમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને સારી શરૂઆત કરાવી આપવી પડશે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ક્રિકેટરો છ મહિનામાં બીજું મોટું ટાઇટલ લેવા કોઈ કસર બાકી નહીં રાખે. ભારતે પાકિસ્તાન (PAKISTAN)ની મિડલ-ઑર્ડર બૅટર શોર્ના અખ્તરથી ખાસ ચેતવું પડશે. એયમન ફાતિમ પણ સારી બૅટર છે.

પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના બે દિવસ પહેલાં પ્રૅક્ટિસમાં ઈજા પામતાં ટીમને ઝટકો લાગ્યો છે. તેને ઘૂંટણમાં ઈજા થઈ છે. બર્મિંગમનું હવામાન સારું છે, પણ થોડું વાદળિયું રહેવાની સંભાવના છે.

બન્ને દેશની સંભવિત ટીમઃ

ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી/રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરની અને નંદની શર્મા.

પાકિસ્તાનઃ ફાતિમા સના (કૅપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સાઇરા જબીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, એયમન ફાતિમા, ડાયના બેગ, નશરા સંધુ અને સાદિયા ઇકબાલ.