Tue Sep 01 2026

Logo

ખાંડના ભાવ વધારા પાછળનું ગણિત ક્યાં ખોટું પડ્યું? સરકારે લીધેલા પગલાંથી ડૉમેસ્કિટ માર્કેટ પર સીધી અસર

2026-08-25 14:22:00
Author: Mumbai Samachar Team
ખાંડના ભાવ વધારા પાછળનું ગણિત ક્યાં ખોટું પડ્યું? સરકારે લીધેલા પગલાંથી ડૉમેસ્કિટ માર્કેટ પર સીધી અસર

AI Image


નવી દિલ્હીઃ તહેવારની સીઝન શરૂ થતા પહેલા જ ખાંડના ભાવમાં વધારો થતા ચાથી લઈ મીઠાઈ સુધીનો સ્વાદ બગડ્યો છે. સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું છે. ખાંડ પર આ વર્ષે સૌથી વધારે આશા હતી એના પર પાણી ફરી વળ્યું છે. ખાંડનો સ્ટોક સૌથી વધારે હોવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી હવે સ્ટોક મર્યાદિત થઈ જતા ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશના મહાનગરમાં 40 ટકા સુધી ખાંડ મોંઘી બની ગઈ છે. આ સમગ્ર વિષય પર સરકારનું એવું કહેવું છે કે, હાલમાં ડોમેસ્ટિક જરૂરિયાત પૂરી કરવા માટે ખાંડનો સ્ટોક પૂરતો છે. ગત વર્ષે બચાવવામાં આવેલો એક બફર સ્ટોક પણ ઉપયોગમાં આવી શકે છે. 

ગણતરી ક્યાં ખોટી પડી?
સવાલ હવે એ મુદ્દાનો છે કે, ખાંડનો સ્ટોક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ એના ભાવ અચાનક વધી કેવી રીતે ગયા? તા.1 ઑક્ટોબરથી 2025થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની સીઝન માનવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં ઉદ્યોગોને એવી આશા હતી કે, દેશમાં આશરે 34.9 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું છે. જે ગત વર્ષે થયેલા ઉત્પાદન કરતા 18 ટકા વધારે હતું. ઉત્પાદન વધવાની આશાના કારણે સરકારે ખાંડની મિલને નિકાસ કરવા માટેની મંજૂરી આપી દીધી. આ પછી નવેમ્બરમાં 2025માં  15 લાખ ટન, ફેબ્રુઆરીમાં 5 લાખ ટન વધારાની ખાંડની નિકાસની મંજૂરી આપી દેવામાં આવી. એ સમયે એવું માનવામાં આવતું હતું કે ડૉમેસ્ટિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાંડ પૂરતી છે. પણ આ ગણતરી ખોટી પડી ગઈ. 

પાકને જ માઠી અસર
સીઝન જે રીતે આગળ વધી એમ અનુમાન સતત ખોટું પડતું રહ્યું. ફેબ્રુઆરીમાં સ્ટોક ઘટીને 32.4 મિલિયન ટન અને એપ્રિલમાં 32 મિલિયન ટન કરી દેવામાં આવ્યો. સરકારનું એવું અનુમાન છે કે, હાલમાં ટ
ટોટલ ઉત્પાદન આશરે 30.6 મિલિયન ટન છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો ખાંડના સૌથી મોટા તેમજ મહત્ત્વના ઉત્પાદક રાજ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં શુગર મિલ આવેલી છે. મહારાષ્ટ્રમાં વધારે પડતા વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે અથવા શેરડીમાં રેડરોટ તેમજ ટોપ બોરર જેવી ગંભીર પાકલક્ષી બીમારીથી ઉત્પાદનને સીધી અસર પહોંચી છે. ઉત્પાદન ઓછી થઈ જતા સરકારે મે મહિનામાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરી દીધો. આ પ્રતિબંધિ પછી 30 સપ્ટેમ્બર સુધી યથાવત રહ્યો છે.

માસિક સ્ટોક કેમ ન વધ્યો?
આ પછી ડોમેસ્ટિક માર્કેટમાં પર્યાપ્ત સ્ટોકને લઈને સરકાર અને વેપારીઓની ચિંતા એટલા માટે વધી કારણ કે, જે સ્ટોક હતો એ માગ સામે પહોચી વળે એમ ન હતો. તહેવારની સીઝન શરૂ થતાં પહેલા જ એવી ગણતરી હતી કે, માસિક જે સ્ટોક છે એમાં વધારો કરી દેવામાં આવશે. પણ વેચાણ વધ્યું. ગત વર્ષની જેમ આ વખતે પણ માસિક સ્ટોક 22.5 લાખ ટન જ રાખવામાં આવ્યો. આ પછી સપ્લાયને લઈને પ્રેશર ઊભું થયું અને વેપારીઓ પાસે રહેલા સ્ટોકમાં કોઈ વધારો ન થયો. 18મી ઓગસ્ટે જ્યારે ભાવમાં વધારો થયો એ સમયે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કિંમત આશરે ₹4880-₹4980 પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગઈ. આ પહેલાની કિંમત અને નવી કિંમતમાં માત્ર સાત દિવસનું અંતર છે. કર્ણાટકની કેટલીક મિલમાં ભાવ 20 ઓગસ્ટે ₹7100 સુધી પહોંચ્યો.  આ રીતે ખાંડના સતત ભાવ વધારાએ સ્ટોક અને કિંમત બન્નેનું ગણિત બગાડી દીધું. 

આયાત કર હટાવાયો પણ કેમ?
એવું પણ માનવામાં આવે છે કે, આશરે એક દાયકા બાદ સરકારે ખાંડ પરની આયાતનો રસ્તો ખોલ્યો. 100 ટકા આયાત કર હટાવીને ખાંડનો સ્ટોક કરવા માટે પ્રયાસ કર્યા. 20 ઓગસ્ટના રોજ 10 લાખ ટન નવી ખાંડની આયાત માટે ગ્રીન સિગ્નલ આપી દેવાયું. આની અસર એ થઈ કે, લિમિટેડ સ્ટોકના કારણે મીઠાઈના વેપારીઓએ તથા ચાના વેપારીઓએ પહેલા તો પોતાના ઉત્પાદનના ભાવ વધારી દીધા. તહેવાર શરૂ થાય એ પહેલા ખાંડના ભાવ વધતા મીઠાઈના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. આ સિવાય સવારની ચાનો સ્વાદ બગડયો. કટિંગ ચાની પ્યાલીમાં પણ ભાવ વધારો થયો. આ ઉપરાંત ખાંડ સંબંધિત જે તે ઉત્પાદનો મર્યાદિત થયા પણ ભાવ આસમાને પહોંચ્યા જેના કારણે તહેવાર ટાણે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું.