Thu Oct 08 2026

Logo

હું મશીન નથી...અમે બધા કંઈ રૉબો...મને પણ દુઃખ થતું હોય છેઃ સંજુ સૅમસન

2026-09-16 17:38:18
Author: Ajay Motiwala
હું મશીન નથી...અમે બધા કંઈ રૉબો...મને પણ દુઃખ થતું હોય છેઃ સંજુ સૅમસન

નવી દિલ્હીઃ સંજુ સૅમસન પોતાની કરીઅર બાબતમાં વારંવાર થતા બહારના અવાજ (ટીકા-ટિપ્પણીઓ)થી ટેવાઈ ગયો છે, પરંતુ તેણે એ પણ કબૂલ્યું છે કે ભારતીય ટીમમાં ટૉપ-ઑર્ડર માટેની તીવ્ર હરીફાઈ પડકારરૂપ છે એમ છતાં ખેલાડીઓ સિલેક્શનને લગતા નિર્ણયોની બાબતમાં રિસાઈને ચૂપ બેઠા ન રહે...એવો તેમની પાસે સમય પણ નથી હોતો અને એવો તેમનો અભિગમ પણ નથી હોતો. સૅમસને કહ્યું છે કે `હું કંઈ મશીન નથી કે નથી રૉબો...મને પણ દુઃખ થતું હોય છે.'

સૅમસન અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી-20માં ફક્ત 10 રન બનાવી શક્યો હતો, પણ મંગળવારે બીજી ટી-20માં તેણે ફક્ત બાવીસ રનમાં ચાર છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા અને ભારતને જિતાડવામાં બૅટ્સમેનોમાં તેનું સૌથી સારું યોગદાન હતું. ભારતે આ મૅચ 31 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી.

અફઘાનિસ્તાનને 159/8ના સ્કોર સુધી સીમિત રખાવવામાં નીતીશ કુમાર રેડ્ડીનું સૌથી મોટું યોગદાન હતું. તેણે ઓપનર ઇબ્રાહિમ ઝડ્રાન (37 રન), ગુલબદિન નઇબ (10 રન) અને રાશીદ ખાન (28 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

સૅમસને મંગળવારની મૅચ પછી પત્રકારો સાથેની વાતચીતમાં ટીકાકારોને નિશાન બનાવવાના આશયથી કટાક્ષમાં કહ્યું, `હું વાઇ-ફાઇ ટર્ન ઑફ કરી નાખવાનો પ્રયાસ કરતો હોઉં છું, પરંતુ ક્યારેક વાઇ-ફાઇ ટર્ન-ઑન થઈ જાય છે અને સિનિયર ખેલાડીઓની કમેન્ટ્સ ધ્યાનમાં આવી જાય છે. જોકે આ બધુ સામાન્ય છે. શું બોલવું એ તેમની પસંદગીનો વિષય છે. એ તેમની માનસિકતાનો વિષય પણ છે. સકારાત્મક બોલવું કે નકારાત્મક એ તેમના અભિગમ પર આધાર રાખે છે. જોકે આવી બધી બાબતનો સામનો કરી લેવાનું મને ફાવી ગયું છે.'

ટિપ્પણીની મન પર થોડી તો અસર થાય જ

સૅમસને એવું પણ કહ્યું કે `(જ્યારે ટીકા-ટિપ્પણી થતી હોય ત્યારે...) પહેલાં તો દુઃખ થાય છે. વિચાર આવે છે કે હું મશીન નથી. અમે બધા કંઈ રૉબો નથી કે અમને કંઈ અસર જ ન થાય. થોડી તો અસર થાયને! જોકે પછી એ પણ વિચાર આવે કે પોતાના પર આત્મવિશ્વાસ જાળવીને આગળ વધતા રહેવાનું, પોતે કેવી પૂર્વતૈયારી કરવી અને કેવું રમવું એ વિશે મનમાં ખૂબ સ્પષ્ટ અભિગમ રાખવાનો. જે કંઈ કહેવાતું હોય છે એના પર જ ધ્યાન આપતો હોત તો આવી બૅટિંગ કરી જ ન શક્યો હોત. હું સતત વિચારતો રહું છે કે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ સારી છે, વર્લ્ડ કપના પર્ફોર્મન્સથી પણ મને ઘણી મદદ મળી છે એટલે ભલભલા માનસિક દબાણમાં પોતે કેવો ખેલાડી છે એના પર તેમ જ ટીમ વતી અને ભારત વતી રમી રહ્યો છું એના પર જ લક્ષ આપવાનું.'

વૈભવ વિશે કહ્યું, `15 વર્ષનો છોકરો...'

ટી-20 ટીમમાં અભિષેક શર્મા કરતાં સૅમસને ઓપનિંગમાં સ્થાન ટકાવી રાખવા 15 વર્ષના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી સાથેની હરીફાઈનો ખૂબ સામનો કરવો પડ્યો છે. આયરલૅન્ડમાં અને ઇંગ્લૅન્ડના પ્રવાસની શરૂઆતમાં નબળા પર્ફોર્મન્સ બદલ પછીથી સૅમસન (Samson)ના સ્થાને વૈભવને ભારતીય ટીમમાં મોકો અપાયો હતો. વૈભવ ઇંગ્લૅન્ડમાં ડેબ્યૂમાં તો નિષ્ફળ રહ્યો, પરંતુ ત્યાર બાદ ઝિમ્બાબ્વેની ટૂરમાં મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો. વૈભવે આ વર્ષની આઇપીએલમાં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. એ પહેલાં સૅમસને ટી-20 વર્લ્ડ કપમાં ભારતીયોમાં સૌથી વધુ 321 રન બનાવ્યા હતા.

સૅમસને મંગળવારે પત્રકારોને કહ્યું, `ભારતીય ટીમનું સંચાલન કરવું કોઈ આસાન કામ નથી. મારા માટે વર્લ્ડ કપ આશીર્વાદરૂપ હતો, પણ તમે બધાએ જોયું હશે કે 15 વર્ષના છોકરાએ (વૈભવે) આઇપીએલમાં કેવા 700-800 રન ખડકી દીધા. એટલે ટીમમાં ગમે ત્યારે તેનો સમાવેશ થવાનો જ હતો. હું બે-ત્રણ મૅચ સારું ન રમ્યો અને તે સારા ફૉર્મમાં હતો અને અમારે એ સિરીઝમાં (ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં) મૅચો જીતવી ખૂબ જરૂરી હતી. ટીમના સિલેક્શનની બાબતમાં કઠિન નિર્ણયો લેવા પડે. આઇપીએલના ફ્રૅન્ચાઇઝીમાં હું પોતે કૅપ્ટન રહી ચૂક્યો છું અને ટફ નિર્ણયો લઈ ચૂક્યો છું એટલે આ બધુ જાણું છું. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં અને શ્રેણી દરમ્યાન ગૌતમભાઈએ (હેડ-કોચ ગૌતમ ગંભીરે) મારી સાથે ઘણી ચર્ચા કરી હતી. લોકો ધારતા હોય એવા નિર્ણયો લેવા સહેલા છે, પણ અઘરા નિર્ણયો લેવા આસાન કામ નથી.'