નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026 ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષે સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માંગ કરી હતી. તેમજ રામ મંદિર દાન ચોરી અંગે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બિલ 31 જુલાઈના રોજ લોકસભામાં પસાર થયું હતું.
નોંધણી માટેની હાલની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહિ
આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે એક વર્ષના સમયગાળામાં નોંધણી માટેની હાલની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. પહેલાની જેમ જન્મ કે મૃત્યુની જાણ 21 દિવસની અંદર કરવામાં આવે તો નોંધણી કરી શકાશે. જયારે 21 દિવસથી લઈને એક વર્ષ સુધીના વિલંબના કિસ્સાઓમાં નિયમો અનુસાર નિર્ધારિત લેટ ફી ચૂકવીને નોંધણી કરાવી શકાશે.
જન્મની સમયસર નોંધણી કરાવવાના મહત્વ પર ભાર
આ બિલ સરકાર દરેક બાળકના જન્મની સમયસર નોંધણી કરાવવાના મહત્વ પર ભાર મૂકે છે. જે શિક્ષણ મેળવવા, ઓળખ સ્થાપિત કરવા અને સરકારી યોજનાઓ અને અન્ય કાનૂની અધિકારોનો લાભ મેળવવાનો આધાર છે. તેવી જ રીતે વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ માટે મૃત્યુના સચોટ રેકોર્ડ જાળવવા મહત્વપૂર્ણ છે.