શિલોંગ: દેશમાં વધુ એક રાજ્યમાં ઓપરેશન લોટસનું ચર્ચાએ જોર પકડયું છે. તેમજ તેમાં મમતા બેનર્જીને ફટકો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં મેઘાલયમાં યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 12 ધારાસભ્યોમાંથી નવ અને તૃણમૂલ કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
ભાજપની અચાનક 15 બેઠકો થઇ શકે છે
આ અંગે મળતી માહિતી મુજબ મેઘાલયમાં ભાજપનું 'ઓપરેશન લોટસ' સક્રિય થયું છે. જેમાં હાલમાં વિધાનસભામાં ફક્ત બે બેઠકો ધરાવતી ભાજપની અચાનક 15 બેઠકો થઇ શકે છે.
ભાજપના નેતાઓએ પુષ્ટિ આપી છે
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 13 વર્તમાન ધારાસભ્યો જેમાં યુડીપીના નવ અને મમતા બેનર્જી ટીએમસી ના ચારનો સમાવેશ થાય છે. જે ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. આ અંગે રાજ્ય ભાજપના નેતાઓએ પુષ્ટિ આપી છે કે આ બાબતે કેન્દ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા
આ અંગે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. મુકુલ સંગમા પણ સામેલ ટીએમસી જૂથના સભ્યોમાં સામેલ હોવાનું કહેવાય છે. 60 સભ્યોની વિધાનસભામાં હાલમાં યુડીપીના 12 ધારાસભ્યો અને ટીએમસીના ચાર ધારાસભ્યો છે. જેમાંથી કેટલાક તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
કેન્દ્રીય નેતાઓ સાથે સીધા સંપર્કમાં
આ અંગે મેઘાલયના વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવ્યું હતું કે રાજયના પ્રમુખે યુડીપી ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓ હવે કેન્દ્રીય નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ તબક્કે અનુમાન લગાવવા માંગતા નથી અને પરિણામની રાહ જોઇશું.
ભાજપ પાસે હાલમાં વિધાનસભામાં બે ધારાસભ્યો
ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસે હાલમાં વિધાનસભામાં બે ધારાસભ્યો છે.એલેક્ઝાન્ડર લાલુ હેક અને સાનબોર શુલ્લાઈ. જેમાં શુલ્લાઈ કેબિનેટ મંત્રી છે. ભાજપના નેતાના મતે પાર્ટી વર્ષ 2028 ની ચૂંટણીઓ બાદ રાજ્યમાં પોતાના નેતૃત્વ હેઠળ સરકાર બનાવવાનું લક્ષ્ય રાખે છે.
કેબિનેટ ફેરબદલ બાદ યુડીપીમાં મતભેદ
આ ઉપરાંત સપ્ટેમ્બર 2025 માં કેબિનેટ ફેરબદલ બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારમાં ભાગીદાર UDP માં મતભેદ ઉભરી આવ્યા હતા. પ્રવાસન મંત્રી પોલ લિંગડોહના સ્થાને પાર્ટી પ્રમુખ મેટબાહ લિંગડોહને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા પછી પાર્ટીમાં જૂથબંધી વધુ તીવ્ર બની હતી.