Mon Aug 31 2026

Logo

બેડ ન્યૂઝઃ ભારતમાં ચોમાસાની એન્ટ્રીમાં થશે 'વિલંબ', જાણો ક્યારે મેઘરાજાનું આગમન?

2026-06-02 17:02:00
Author: Devayat Khatana
બેડ ન્યૂઝઃ ભારતમાં ચોમાસાની એન્ટ્રીમાં થશે 'વિલંબ', જાણો ક્યારે મેઘરાજાનું આગમન?

નવી દિલ્હી: ગુજરાતના ઘણા ખરા ભાગોમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે, પરંતુ ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીમાં હજુ પણ થોડી વાર લાગી શકે છે. હવે ભારતમાં ચોમાસુ સત્તાવાર રીતે બે દિવસમાં પ્રવેશ કરશે. જોકે, હવામાન વિભાગે આ પહેલા 26 મેના રોજ પ્રવેશની આગાહી કરી હતી. આથી હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રીમાં 10 દિવસ જેટલો વિલંબ થશે. 

ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલી આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચી શકે છે. જો કેરળમાં ચોમાસાના વરસાદમાં વિલંબ થાય છે, તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતમાં વરસાદની રાહ પણ વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્ય ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો તેમ જ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને બાકીના બંગાળની ખાડીમાં આગળ વધવાની આગાહી છે. આ પહેલા પંદરમી મેના હવામાન વિભાગે ચોમાસાના આગમનની આગાહી કરતાં કહ્યું હતું કે તે 26 મેના રોજ કેરળ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ 1 જૂનની આસપાસ શરૂ થતી હોય છે. ગયા વર્ષે ચોમાસું 1 જૂન કરતાં આઠ દિવસ વહેલું એટલે કે 24 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું. જો કે ગત વર્ષે ચોમાસાએ 29 જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો હતો, જે સરેરાશ કરતાં નવ દિવસ વહેલું હતું.

જો કે આ વર્ષે હવામાન વિભાગે ચોમાસાની ઋતુમાં રાષ્ટ્રીય સરેરાશના 90 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. તેણે વરસાદની માત્રામાં ઘટાડો થાય તેવી પણ આગાહી કરી છે. દેશમાં પશ્ચિમ ભારત સહિત ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગનો વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. આ ખરીફ ઋતુ દરમિયાન પાકના વાવેતર પર સીધી અસર કરે છે.