નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં રાજકીય ચર્ચાની સાથે-સાથે હળવા અને મજાકિયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. આ બેઠકમાં અનેક વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને SIR પ્રક્રિયા સામે સમયસર અવાજ ઉઠાવવા બદલ રાહુલ ગાંધીના પેટ ભરીને વખાણ કર્યા હતા.
રાહુલ ગાંધીએ કમિટીને સંબોધતા કહ્યું હતું કે, "આપણે ચૂંટણી આયોગની ગરબડોને સતત ઉજાગર કરી રહ્યા છીએ. હવે પીએમ અને ગૃહમંત્રીની સ્થિતિ જોઈને લાગે છે કે તેમને પોતાની સત્તા જતી હોવાનો અંદાજ આવી ગયો છે, તેથી આપણે વધુ મજબૂતીથી જનતાના મુદ્દાઓ ઉઠાવવા પડશે."
બેઠક દરમિયાન આ લડાઈને જમીની સ્તરે લઈ જઈને જનઆંદોલનમાં ફેરવવા તેમ જ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈના પર નિર્ભર નથી અને આ લડાઈ જાતે લડવા માટે સક્ષમ છે.
જ્યારે કેટલાક નેતાઓએ CEC જ્ઞાનેશ કુમારના અડિયલ વલણની વાત કરી, ત્યારે પ્રિયંકા ગાંધીએ તાત્કાલિક પલટવાર કરતા યાદ અપાવ્યું કે અગાઉ ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓને પણ રાજીનામા આપવા પડ્યા હતા, તેથી સડકો પર આંદોલન ચાલુ રાખીને દબાણ બનાવવામાં આવશે.
આ બેઠક માત્ર ગંભીર રાજકારણ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમાં કેટલાક હળવા અને મનોરંજક ક્ષણો પણ આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને સમર્થન આપતા કહ્યું કે, "અમે તમારી પાછળ ચાલી રહ્યા છીએ." આ સાંભળીને હસીને રાહુલ ગાંધીએ મજાકિયા અંદાજમાં પૂછ્યું, "બહુ પાછળ તો નથી ને?"
રાહુલના આ સવાલ પર સમગ્ર સભામાં જોરદાર હાસ્ય છવાઈ ગયું હતું અને ખડગેએ તરત જ સ્પષ્ટ કર્યું કે તેઓ સાથે ચાલી રહ્યા છે. આ ઘટનાએ નેતાઓ વચ્ચેના મજબૂત અને મૈત્રીપૂર્ણ તાલમેલની ઝાંખી કરાવી હતી.
આ સિવાય, બેઠકમાં મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવા અંગે શશિ થરૂરે સૂચન કર્યું હતું કે જો પાર્ટી આવું નહીં કરે તો ભાજપ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ વાત પર મલ્લિકાર્જુન ખડગેએ શશિ થરૂર સામે તંજ કસતા પૂછ્યું હતું કે જો પાર્ટી કાર્યક્રમ યોજે તો શું તેઓ ખરેખર હાજર રહેશે કે પછી માત્ર X પર અને અખબારોના લેખોમાં જ જોવા મળશે? ખડગેના આ સવાલથી બેઠકમાં ફરી એકવાર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.