Tue Aug 18 2026

Logo

ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યોઃ ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નહીં.......

2026-08-03 09:39:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો છે. ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ આપવામાં આવ્યું નથી. ભારતીય હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આ અઠવાડિયા દરમિયાન માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની જ આગાહી કરવામાં આવી છે.

રેડ એલર્ટઃ  ભારે તારાજી સર્જી શકે તેવા અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવા માટે રેડ એલર્ટનો ઉપયોગ થાય છે. રેડ એલર્ટ દરમિયાન આપૂર કે ગંભીર હાલાત સર્જાઈ શકે છે. જેમાં પુર,વિજળીનો કાપ, વાહનવ્યવ્હાર બંધ તેમજ મોટું નુકસાન સામેલ થઈ શકે છે. આ કોડ સલાહ આપે છે કે, તરત સુરક્ષિત સ્થાન પર જાઓ, તેમજ જરુરી દિશા-નિર્દેશોનું પાલન કરો.

ઓરેન્જ એલર્ટઃ  અત્યંત ખરાબ હવામાન અને ભારે વરસાદની ચેતવણી આપવા ઓરેન્જ એલર્ટનો ઉપયોગ થાય છે. જેમાં રસ્તાઓ બ્લોક થવા, પાણી ભરાવા કે વીજળી ગુલ થવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેથી અગાઉથી જ તૈયારી રાખવી જરૂરી બને છે. આ એલર્ટ દરમિયાન આવશ્યક સામાનનો સ્ટોક કરવા અને પ્રવાસથી બચવાનું કહેવામાં આવે છે.

યલો એલર્ટઃ હવામાન ખરાબ થવાનું હોવાથી સાવચેત રહેવા આ એલર્ટ આપવામાં આવે છે. યલો એલર્ટમાં મધ્યમથી ભારે વરસાદ, ભારે પવન કે વીજળી પડવાની સંભાવના હોય છે. આ એલર્ટમાં ગભરાવાની જરૂર નથી હોતી પરંતુ સતર્ક રહેવું પડે છે.  આ કોડ દર્શાવે છે કે, હવામાનની સ્થિત કેટલાક દિવસ સુધી ખરાબ રહી શકે છે. હવામાન બગડવાના કારણે રોજિંદા કામ પર અસર પડી શકે છે.

ગ્રીન એલર્ટઃ આ એલર્ટનો અર્થ હવામાન એકદમ સ્વચ્છ કે સામાન્ય રહેશે અને કોઈ જ જોખમ કે ખતરો નથી તેવો થાય છે. આમાં કોઈ વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેતી નથી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 થી 8 દરમિયાન રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગમાં સૌથી વધુ 0.34 ઇંચ વરસાદ નોંધાયો હતો.  હાલોલમાં 0.24 ઇંચ, ધરમપુરમાં 0.24 ઇંચ, દાહોદમાં 0.20 ઇંચ, સુખસરમાં 0.20 ઇંચ, ડેસરમાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાત-અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ  ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.