પપ્પાને તો એમ જ હતું કે પોતે મણિરામના એક માત્ર સીધા વારસદાર છે. પપ્પાને કોઈ બહેેન પણ નથી. તેમાંય દાદા મને બધું સોેંપી જાય એ એમની જ નહીં બધાની કલ્પના બહારની વાત હતી. મને સમજાઈ ગયું કે વીજળી તો હજુ હવે પડવાની હતી.
માવજી મહેશ્ર્વરી
‘સનત મારા બેય ભાઈઓ, મોટાએ બારમું ધોરણ અને નાનાએ દસમું સુરતમાં જ કર્યું છે. સારા માર્ક્સથી પાસ થયા એનો તમામ યશ એમના મામાઓ લે છે. તેઓ મુંબઈ પાછા આવ્યા ત્યારે મમ્મી વિશે ભયંકર ચિત્ર લઈને આવ્યા હતા. વળી હવે યુવાન હતા એટલે એમને કંઈ કહેવાય તેમ નહોતું. મોટાએ મારાજને ચોખ્ખું કહી દીધેલું કે પપ્પાની વાઈફનું બનાવેલું અમને કંઈ પણ પીરસવું નહીં.’
‘પપ્પાની વાઇફ? સનતે આશ્ર્ચર્યથી પુછ્યું.’
મારી મમ્મીએ ઓછી પીડા નથી વેઠી. એ બેય છોકરાઓ મમ્મીનો ઉલ્લેખ પપ્પાની વાઈફ તરીકે જ કરતા. દાદાના કહેવાથી ન છૂટકે આન્ટી કહેવાનું શરૂ કર્યુ હતું. મમ્મી મને લઈને ક્યાંય એકલી જતી નહીં એનાં કારણો હતાં. એક તો એ શાહુકારોની એટીકેટ જાણતી નહોતી. એને અંગ્રેજી આવડતું નહોતું. એ મુંબઈથી પરિચિત પણ નહોતી. તેમ છતાંય પાંચ વર્ષમાં એનામાં ભરપુર આત્મવિશ્વાસ આવ્યો હતો. તે ગુજરાતી ઠીક ઠીક બોલવા લાગી હતી. મારી મમ્મી બધા માટે સરળ હતી ફક્ત મારા ભાઈઓ સિવાય. ’
‘તમારા ભાઈઓ અને પપ્પા વચ્ચે કેવા સંબંધો હતા?’
‘મારા ભાઈઓની મામીઓ અને મામાઓએ ફક્ત મારી મમ્મી વિશે જ નહીં, મારા પપ્પા વિશે પણ ખોટું ચિત્ર ઊભું કરેલું. એ બેય જણ એવી સ્થિતિ અને વયમાં સુરત ગયા કે એમને જે કહેવામાં આવ્યું તે તેમણે સાચું માની લીધું. યુવાનીમાં આવેલા મારા બેય ભાઈઓ પપ્પાને સામે થતા નહીં, પણ બને તેટલી ઓછી વાતો પપ્પા સાથે કરતા. ભાઈઓ અને દાદા એક બીજા સાથે હસી મજાક કરતા. પપ્પાને તેમની વાતોમાં સામેલ કરતા નહીં. ઘરમાં રીતસર બે ભાગ પડી ગયા હતા. દાદા અને બે ભાઈઓ અને હું અને મમ્મી.’
‘તો તમારા પપ્પા કઈ તરફ રહેતા?’
‘સાચું કહું તો પપ્પાની હાલત વિચિત્ર હતી. એ પોતાના છોકરાઓને વઢી શકાતા નહીં કે અમારી તરફેણ કરી શકતા નહીં. પપ્પા ઘરના માલિક હોવા છતાં તેમની હાલત રખેવાળ જેવી હતી. એ અકળાતા હતા છતાંય કોઈને કહી શકતા નહીં. હું વહેલી સવારે સ્કૂલ ચાલી જતી. બપોરે દોઢ વાગે ઘેર આવતી. ચાર વાગે ફરી ટ્યુશન જતી તે સાડા છ વાગે આવતી. પપ્પા નવ વાગે શો રૂમ પર ચાલ્યા જતા. બપોરે કદીક જમવા આવતા બાકી ડ્રાઈવર એમનું ટીફીન લઈ જતો. મારા આવ્યા પછી ધંધો વિસ્તર્યો હતો. પપ્પા એકદમ વ્યસ્ત રહેવા લાગ્યા હતા અને બધા વચ્ચે મમ્મી મહેલ જેવડા મોટા મકાનમાં એકલી જીવવા લાગી હતી. દાદા સાથે એ સીધી રીતે વાત કરતી તો દાદા ટૂંકો જવાબ આપીને ચલ્યા જતા. મમ્મીને વાત કરવા માટે નોકરો સિવાય કોઈ નહોતું. નોકરોને મમ્મી તરફ પુરો આદર હતો. મારું મન મારી શરીર કરતા વધુ પાકટ થતું જતું હતું. વિચાર કરો કે ઘરમાં રહેતા છ જણમાંથી બે તમારી સાથે ન બોલતા હોય તો શું હાલત થાય? એક તો હું ઘરમાં સૌથી નાની, વળી છોકરી. મારા ભાઈઓના આવ્યા પછી મને એવું લાગવા માડ્યું કે ઘરના અસલી હકદાર એ લોકો છે. હુ અને મારી મમ્મી એમની દયા પર જીવીએ છીએ. એ બેય ભાઈઓ બિન્દાસ જીવતા હતા જ્યારે હું ડરેલી ડરેલી રહેતી. મને વહાલ કરનારા મારા પપ્પા મારાથી દૂર થઈ ગયા હોય તેવું મને લાગવા માડ્યું હતું. એ ગાળામાં જ એક ભયંકર ઘટના ઘટી હતી. દુર્ભાગ્યે હું પણ ત્યારે મમ્મીની સાથે હતી. મારી મમ્મીને મેં પહેલીવાર સ્તબ્ધ થઈ જતી જોઈ હતી.
મારા પપ્પા કોલકાતા ગયેલા. સાંજે મારી મમ્મી મને ફરવા માટે લઈ ગયેલી. અમે હેંગીગ ગાર્ડન ગયા. હું મારી મમ્મીની આંગળી પકડીને ચાલતી હતી. રવિવારનો દિવસ હતો એટલે ભીડ હતી. અચાનક ચાલતાં ચાલતાં મારી મમ્મી અટકી. તેણે મારો હાથ સખત રીતે પકડી લીધો. મેં મમ્મીની આંખોમાં જોયું. એ ન જોઈ શકાય એવું કંઈ જોઈ ગઈ હોય તેમ આંખો પહોળી કરીને જોઈ રહી હતી. મને મારી મમ્મીનું ડરી જવું સમજાયું નહીં. તેનું આખું શરીર કંપતું હોય એવું મને લાગ્યું. મારાથી પુછાઈ ગયું, ‘ક્યા હુઆ મમ્મા? આપ ઐસે ક્યોં દેખ રહી હૈ?’
મમ્મીએ મને ઊંચકી લીધી. એ તેની સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. હું નાની નહોતી. અગિયાર વર્ષની છોકરીને ઉપાડવું થોડું અજુગતું કહેવાય. મને પણ સ્વાભાવિક બીક લાગી કે મારી મા કયા કારણથી ડરી ગઈ છે. જાણે મને કોઈ ઉપાડી જવાનું હોય તેમ મારી મમ્મી મને ભીંસી રહી હતી. મારી મમ્મીએ એક્દમ પાછા વળતા કહ્યું, ચલ ‘સોનું હમ ફીર કભી આયેંગે’ કહી મારો હાથ પકડી ઢસડતી હોય તેમ ઉતાવળે કાર તરફ ભાગતી હતી. સનત મારામાં પરિસ્થિતિ પામી જવાની એક સેન્સ વિકસી હોય તો મારી મમ્મીની સ્થિતિને કારણે. હું મમ્મી સાથે લગભગ દોડવા લાગી હતી. અમે કાર પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર ત્યાં નહોતો. જાણે પ્રેત જોયું હોય તેમ મમ્મી છળી ઉઠી હતી. એ વારંવાર ગાર્ડન તરફ જોઈ રહી હતી. મેં કોઈ પ્રશ્ન કર્યો નહીં. મને થયું કે અહીં મારી મમ્મીને ભય છે અને અમારે જલદી નીકળી જવું જોઈએ. કારના ડોર લોક થયેલા હતા. મારી મમ્મી બીકની મારી આમતેમ જોઈ રહી હતી. ચા પીવા ચાલ્યા ગયેલો ડ્રાઈવર પોતાની શેઠાણીને તરત પાછી આવેલી જોઈ જરા નવાઈ પામ્યો. તેણે મમ્મીના હાવભાવ જોઈ પૂછી નાખ્યું, ‘ક્યા હુઆ માલકિન?’ પચીસેક વર્ષનો એ યુવાન ડ્રાઈવર રાજસ્થાનનો હતો. જ્યારથી તેને ખબર પડી કે પોતાની શેઠાણી રાજસ્થાનની છે તે પછી મમ્મીને જરા જુદા ભાવથી જોવા માંડ્યો હતો. તેણે ઝટપટ દરવાજા ખોલ્યા. મમ્મીએ મને અંદર ધકેલી અને ઉતાવળે બેસતાં બોલી, શંકર જલદી વાપસ ઘર ચલો...’
‘પણ તમારી મમ્મી એકાએક શેનાથી ડરી ગઈ હતી?’
સોનલે નીચલો હોઠ દાંત વચ્ચે લીધો અને માથું ધુંણાવ્યું અને તેમ ચૂપ થઈને બેસી રહી. ખાસ્સીવારે સોનલે માથું ઉંચું કર્યું. એની આંખના ખૂણાં ભીના હતા. તેણે ધીમેથી કહ્યું, ‘સનત મમ્મી પોતાનું ઉઝડતું કિસ્મત જોઈ ગઈ હતી.’
‘એટલે? હું સમજ્યો નહીં સોનલ.’
‘મારી મમ્મીની નજર એક કપલ પર પડી. એ કપલમાંનો પુરુષ બીજો કોઈ નહીં પણ મારા પપ્પા હતા.’
‘વ્હોટ? હમણાં જ તો તમે કહ્યું કે તમારા પપ્પા કોલકાતા ગયેલા?’
‘મમ્મી માટે એ બહુ દુ:ખભરી સ્થિતિ હતી. કહેવા માટે તો મારા પપ્પા કોલકાતા ગયેલા. એમની વિમાનની ટીકીટ પણ મમ્મીએ જ સાચવીને એમની બેગમાં મૂકી હતી. પણ મારા પપ્પા વાસ્તવમાં મુંબઈમાં જ હતા.
‘તમારા પપ્પાએ પણ તમને જોયા હશે ને?’
‘ના, નહોતા જોયા. પપ્પા પેલી સ્ત્રીમાં ખોવાયેલ હતા. આતો મમ્મીની નજર અચાનક તેમના પર પડી ગઈ. સનત અમુક સ્ત્રીઓ કદી પોતાના પુરુષનો ધજાગરો ઈચ્છતી નથી હોતી. મમ્મીએ એટલે જ ભાગી છૂટવાનું પસંદ કર્યું.’
‘ઓહ, તમે જે સ્ત્રીની વાત કરો છો તેનું શું નામ હતું?’
‘હતું નહીં છે. એ જ સ્ત્રી હવે મારી મા છે. હું એ જ સ્ત્રીને મમ્મી કહીને બોલાવું છું. એનું નામ મીનાક્ષી છે. પપ્પાથી એ પંદર વર્ષ નાની છે. મારો મોટો ભાઈ અને એ બેય સરખા લાગે છે.’
‘ઓહ, બટ વૉટ્સ હૅપન્ડ ધેન?’
‘શું થવાનું હતું? મારા પપ્પાને તો સપનેય કલ્પના નહોતી કે ગંગા એને જોઈ ગઈ હશે. પત્નીને જ્યારે ખબર હોય કે અત્યારે મારો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે સુતો હશે ત્યારે એની હાલત કેવી હોય. એ રાતે મારી મમ્મીએ કશું ખાધું નહોતું. કે ન તો એને ઊંઘ આવેલી. મને વળગીને પડી રહેલી મમ્મીએ મોડી રાત સુધી મારા પર હાથ ફેરવ્યે રાખ્યો હતો. મારી વાચા હરાઈ ગઈ હતી. મને લાગ્યું કે જરુર કંઈ બન્યું છે અને મમ્મીના ડરી જવાનું કારણ બહુ મોટું છે. પણ શુ બન્યું છે તે પૂછવાની મારી હિંમત નહોતી. એક પુરુષ તરીક મારા પપ્પાની નાલાયકી જુઓ કે રાતે એમણે મારી મમ્મીને ફોન કરીને પૂછ્યું હતું કે તુ જમી કે નહીં, સોનું કેમ છે. મને હજુ એક દિવસ લાગશે. મમ્મીએ પપ્પાને ફોનમાં અણસારેય આવવા નહોતો દીધો કે તે એના કરતૂત જોઈ ગઈ છે.
મેં સવારે મમ્મીનો ચહેરો જોયો. માય ગોડ! જાણે મમ્મી બે ચાર મહિનાની બિમારીમાંથી ઊઠી હોય એવી લાગતી હતી. સવારે એ મને સ્કૂલ જવા તૈયાર કરતી હતી ત્યારે મને થયું કે કહી દઉં, મમ્મી આજે મને સ્કૂલ નથી જવું. તને છોડીને જવાનું મને મન નથી પણ હું બોલી શકી નહોતી. તે દિવસે એ શેટી પર બેઠી હતી. હું નીચે ઊભી હતી. એણે મારા વાળ ઓળ્યા અને અચાનક મને ભેટીને મારા ગાલ પર કેટલીય કીસ કરેલી. આગલી સાંજથી મારા મનમાં ઘોળાતો મૂંઝારો એકદમ બહાર આવ્યો. મેં મમ્મીની ડોકે વળગી પડતા કહેલું, મમ્મી બોલો ના કલ સે તુમ ઈતની ડરી હુઈ ક્યોં હો? મમ્મીએ હસી દેતાં કહેલું, કુછ નહીં સોનું. તુમ બરાબર પઢાઈ કરના. બહોત પઢના. સારે લોગ તુજે દેખતે રહ જાય ઈતની પઢાઈ કરના મમ્મીએ મને ફરી એક લાંબી કીસ કરેલી. હું જરા હળવી થઈને સ્કૂલ ચાલી ગયેલી. સનત સ્ત્રી પુરુષનો સંબંધ અને આગ લાંબો સમય છાના રહેતા નથી. ક્દાચ એ દિવસે મારી મમ્મીએ મારા પપ્પાને જોયા ન હોત તો એ વાત જુદા સ્વરૂપે બહાર આવી હોત. મારા પપ્પા કોલકાતાથી આમ તો બપોર પછી આવવાના હતા. પણ તે અગિયાર વાગે જ આવી ગયા.’
‘કેમ વહેલા આવી ગયા?’ સનતે પુછ્યું.
‘એ કોલકાતા તો ગયા જ નહોતા તો. પેલી સ્ત્રીથી મન ધરાઈ ગયું હશે પેલીથી છુટા પડ્યા પછી પપ્પાએ ઘરનો રસ્તો પકડ્યો. ઘેર મમ્મીનું ઉતરેલું મોં જોઈને પપ્પાના ચહેરા પર ચિંતા ઉમટી આવી હતી. તેમણે પૂછેલું, તબિયત બરાબર નથી કે કોઈએ કશું કહ્યું છે? મોં આવું કેમ થઈ ગયું છે?’
‘મારી મમ્મીએ પણ બનાવટી હસી દેતાં કહેલું, કંઈ નથી થયું. જરા માથું ભારે છે. થાક જેવું લાગે છે.’
‘તારે તારું શરીર સાચવવાનું છે. તને તો ખબર છે કે મારે આમ વારંવાર જવાનું થશે. આપણી સોનું મોટી થઈ જાય ત્યાં સુધી તો મારે ચિંતા રહેવાની જ છે. મને એમ હતું કે આજે થાક લાગ્યો છે તો તારી થોડી સેવા લઈશ. પણ અહીં તો તું જ બિમાર જેવી બેઠી છો.’
‘મારી મમ્મીથી પપ્પાનો દંભ અને બેવફાઈ સહન થતી નહોતી. કદાચ મારી મમ્મીએ પહેલીવાર મારા પપ્પાને ન ગમે એવા સવાલ કર્યા હતા. તેણે પપ્પાને પૂછેલું, તમે તો બપોર પછી આવવાના હતા ને, વહેલા કેમ આવી ગયા?’
‘બસ, ઘર યાદ આવ્યું તો આવી ગયો. કેમ મારું વહેલા આવવું તને નથી ગમ્યું? આવો સવાલ કેમ પૂછ્યો?’
‘તમારું ઘર છે. તમે ગમે ત્યારે આવી શકો છો. પણ તમે કોલકાતા જ ગયા હતા ને?’ મમ્મીએ વેધક નજરે પપ્પા સામે જોયું.
એક ક્ષણ પપ્પા જરા ડરી ગયા. છતાં તે મહા ખેલાડી માણસ છે. તેણે ગુસ્સે થવાને બદલે જૂદું જ કહ્યું, હવે ક્યાંય પણ બહાર જવાનું થાય તો તુ મારી સાથે ચાલજે. મને કંપની રહેશે. પણ તને એવો વિચાર કેમ આવ્યો કે હું કોલકાતા ગયો નહોતો?’
મમ્મી પપ્પા સામે જોઈ રહી. પછી અચાનક ભાષા બદલીને પોતાના ઓરીજીનલ ટોનમાં બોલી, ‘ આપ જુઠ બોલ રહે હૈં. યહીં બમ્બઈમે થે ઔર વો ભી કીસી ઔરત કે સાથ. જુઠ મત બોલિયેગા.’
મારા પપ્પા ઉપર જાણે વીજળી પડી.