Thu Sep 03 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ મન્ક મ્યુઝિયમમાં `સ્ક્રીમ' જોતાં હરખની ચિચિયારી...

2026-08-29 07:25:00
Author: Pratiksha Thanki
અરાઉન્ડ ધ વર્લ્ડઃ મન્ક મ્યુઝિયમમાં `સ્ક્રીમ' જોતાં હરખની ચિચિયારી...

પ્રતીક્ષા થાનકી

બે દશક પહેલાં એમ-ટીવી પર એડવર્ડ મન્કના પેન્ટિગ `સ્ક્રીમ' સાથે ઇનફોર્મલી જોવાનું થયા કરતું હતું. ત્યારે ખબર હતી કે મોનાલીસા કે ગર્લ વિથ પર્લ ઇયરિગની માફક આ પણ એક લેજન્ડરી પેઇન્ટિગ છે. તે પછી ગયા દશકમાં ઊડતી મુલાકાતે જૂના મન્ક મ્યુઝિયમ પર ક્રૂઝ ટાઇમને ધ્યાનમાં રાખીને ફટાફટ આંટો માર્યો હતો. 

અને હવે 2021માં બનેલા નવા મન્ક મ્યુઝિયમમાં તો ત્રણ-ત્રણ ઓરિજનલ સ્ક્રીમનાં વર્ઝન છે. તે દિવસે કયું જોવા મળી જાય તે મુલાકાતીઓ માટે સરપ્રાઇઝ બનીને રહી જતું. અમે ઓસ્લોમાં સમયના પ્રમાણમાં વધુ પ્રવૃત્તિઓ પ્લાન કરી ચૂક્યાં હતાં. એવામાં અમારે સાંજે વિગલેન્ડ પાર્ક તરફ જવાનું હતું અને તે પહેલાં મન્ક મ્યુઝિયમને ભરપૂર માણીને ઓસ્લોની નાઇટલાઇફ પણ જોવા નીકળવાનું હતું. 

મન્ક મ્યુઝિયમની ટિકિટ પણ અમે પહેલેથી જ લઈ રાખેલી. તેમાંય સ્લોટ પ્રમાણે એન્ટ્રી મળતી હતી. એક સમયે નિશ્ચિત સંખ્યામાં લોકોને અંદર લઈ જવાની વ્યવસ્થા હતી. પહેલેથી બૂકિગ ન કરાવો તો મન્કનું કયું સ્ક્રીમ તમારા નસીબમાં જોવાનું હતું તે ચૂકી જવાત. ત્યાં ત્રણ વર્ઝનમાં એક ક્રેયોન સ્કેચ, એક લિથોગ્રાફ અને એક પારંપરિક પેન્ટિગ છે જે સ્ક્રીમનું સૌથી લોકપ્રિય વર્ઝન છે અને મ્યુઝિયમમાં જો તમે માત્ર એક જ કલાક વિતાવો તો માત્ર એક જ વર્ઝન જોઈ શકશો. દર કલાકે મ્યુઝિયમ વર્ઝન બદલી નાંખે છે. અમે તો એવું આયોજન કરીને ગયેલાં કે કમસેકમ બે વર્ઝન તો જોઈને જ નીકળીએ. 

એન્ટ્રન્સ પર પહેલાં જ મ્યુઝિયમ ગિફ્ટશોપ પકડાઈ ગઈ અને હવે તો લેજન્ડરી આર્ટ અને થ્રિડી પ્રિન્ટરનો ઉપયોગ થતાં જાણે સુવિનિયર ઇન્ડસ્ટ્રી તો સાવ બદલાઈ ગઈ છે. ટોટબેગ્સ, મન્કનાં અને બીજાં નોર્વેજિયન કલાકારોનાં પેન્ટિગ્સની પ્રિન્ટ્સ, મેગ્નેટ્સ, પોસ્ટકાર્ડ્સનાં ઓર્ગેનાઇઝ્ડ ઢગલાઓ પાર કરીને કશું લીધા વિના બહાર નીકળવાનું જરા મુશ્કેલ લાગ્યું. હવે સુવિનિયરની ખરીદી વેલ્યૂ મુજબ થાય છે. એવું જ લેવું જે ખરેખર યાદગાર લાગે. 

મન્કની જિંદગી, તેની આર્ટની સ્ટાઇલ, તેનાં નોર્વેનાં ઘરો, ઉછેર, બધું અહીં અત્યંત વિગતે ડોક્યુમેન્ટેડ છે અને આ કલાકારે પોતાની મોટાભાગની મહત્ત્વની અને થોડી ઓછી મહત્ત્વની કૃતિઓ પણ દેશને નામ કરી છે. એટલે નોર્વે સ્ટેટ તેનો ધારે તે ઉપયોગ કરી શકે. એટલે જ કદાચ મન્કની કૃતિઓ ખ્યાતનામ હોવાં છતાં તેની કિમત માટે કદી ચર્ચામાં નથી હોતી. 

મન્કનાં ચિત્રોમાં એક અજીબ ગમગીન માહોલ રહેતો અને તે સ્કેન્ડિનેવિયન વેધર સાથે જોડાયેલો હતો કે તેમના લાઇફલોન્ગ ડિપ્રેશન સાથે, પણ તેમનાં ચિત્રો સમયને પણ તેમની અંદર સમાવીને બેઠાં હતાં. સ્કેન્ડિનેવિયન દેશો એક યા બીજી દુનિયાની સૌથી `હેપ્પી કંટ્રી'નાં લિસ્ટમાં આવ્યાં કરે છે. ત્યાંની ઠંડી, ગ્રે માહોલ, ટચૂકડો સમર વગેરે જોઈને ત્યાંનાં લોકોને પણ નવાઈ લાગતી હોય છે કે તેમનાં દેશો ખુશ લોકોના લિસ્ટમાં આટલાં ઉપર કઈ રીતે આવી જાય છે. ત્યાં ફરીને, કુદરતનું સૌંદર્ય જોઈને, યોર્ડ અને પહાડો અને હાઇક ટે્રલ્સ વચ્ચે અડધું વર્ષ મોટાભાગે અંધારામાં કઈ રીતે વિતાવવાનું તે પ્રશ્ન થયા વિના રહે નહીં. 

મન્કની જિંદગી વિષે જેટલું વધુ જાણવા મળી રહ્યું હતું એટલું જ વધુ ગમગીન થતું જવાતું હતું. તેણે જાણે પોતાની કલાનો પોતાની એન્કઝાઇટી કંટ્રોલ કરવા માટે કર્યો હોય તેવું લાગતું હતું. તેમની મોટાભાગની નેગેટિવિટી તેમના મિલિટરી ડોક્ટર પિતાની ઘરમાં લોકોને કંટ્રોલ કરવામાં સતત બધાંને તલવારની ધાર પર ચાલવું પડતું હતું. તે માંડ પાંચ વર્ષનો હતો ત્યાં તેની માતા ટીબીમાં ગુજરી ગઈ, વળી 14 વર્ષનો હતો ત્યાં તેની માનીતી બહેન પણ ટીબીમાં ગુજરી ગઈ. તેમને જિંદગીભર જે પણ ગમતું તેમનાથી છીનવાઈ જતું એવું લાગવા માંડ્યું હતું. 

અમે મન્કની અલગ અલગ પેન્ટિગ સ્ટાઇલમાં એક 15 મિનિટની વર્કશોપ પણ કરી જોઈ. ખાસ તેનું `સ્ક્રીમ' જોવા માટે તો સતત ટોળામાં જ ઊભા રહેવું પડતું હતું. અમે એટલું રહૃાાં કે ત્રણેય વર્ઝન જોઈ શક્યાં. જોકે તેમની સાઇઝનું પણ મોનાલીસા જેવું જ છે. ઓરિજિનલ એટલું ટચૂકડું છે કે જોયું કે ન જોયું ખાસ ફરક નહોતો પડતો. બસ એટલું કહેવાના બ્રેગિંગ રાઇટ્સ મળે કે અમે એ જ પેન્ટિગની બાજુમાં શ્વાસ લીધો હતો. મ્યુઝિયમમાં આર્ટ ઉપરાંત બીજી એક મજાની વાત છે ત્યાંનું ટોપ ફ્લોરનું કાફે. ત્યાંથી ઓસ્લોનો પેનોરમા વ્યૂ પણ ચૂકવા જેવો નથી. આખું મ્યુઝિયમ નવું અને લોકોને કમફર્ટેબલ રહી શકાય તે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે તે અનુભવી શકાતું હતું. 

આ મ્યુઝિયમમાં થોડીવાર માટે દુ:ખી ભલે થઈ જવાયું, તેણે જે આર્ટનું કલેક્શન દુનિયા માટે સર્જ્યું છે તેનાથી ઘણાંને પોતાના મનની વાત તેની કલામાં ઝલકતી દેખાય છે. તેઓે અવારનવાર પેરિસ જઈને ત્યાંનાં કલાકારો અને સાહિત્યકારોનો પ્રભાવ પણ સાથે લઈ આવતા. તેઓ કદી પરણ્યા પણ નહીં અને 80 વર્ષની જિંદગીમાં જે પણ સર્જ્યું તે બધું અમે ત્યાં જોઈ રહૃાાં હતાં. ખરેખર કલા મારફતે પોતાની અંદરની વાત દુનિયાને કહી શકવાનો મન્કમાં કદાચ સુપરપાવર જ હતો તેવું કહી શકાય. આજે તો તેમના સ્ક્રીમને યુદ્ધથી માંડીને પર્યાવરણ અને પોલિટિક્સ, દરેક પ્રકારના પ્રશ્નોના સંદર્ભમાં વાપરવામાં આવે છે. 

એક સાંજે ઓસ્લોમાં જ ચાલવા નીકળ્યા પછી આકાશનો રંગ અચાનક એવો નાટકીય રાતો બની ગયો કે જાણે કુદરત ચીસ પાડી રહી હોય અને તે કુદરતની ચીસ સાંભળવાનું અનુભવ્યું હોય તેવું કાન પર હાથ રાખીને ટ્રોમેટાઇઝ થયેલો માણસ મન્ક પોતે જ છે એવું પણ લાગે, અને આમ જોવા જાઓ તો તે કોઈ પણ હોઈ શકે. ક્યારેક માણસ પોતે પણ પોતાની અંદરની ચીસ માટે પણ કાન આડા હાથ કરતો હોય છે. પ્રવાસ ઘણી વાર મેકેનિકલ લાગવા માંડતો હોય છે, આવી પળો તેને અચાનક જ જીવંત બનાવી દેતી હોય છે.