Fri Sep 04 2026

Logo

એક નજર ઈધર ભીઃ ડચ લોકો: માનવ સમાજના માઉન્ટ એવરેસ્ટ

2026-08-29 07:59:00
Author: Kamini Shroff
એક નજર ઈધર ભીઃ ડચ લોકો: માનવ સમાજના માઉન્ટ એવરેસ્ટ

 

કામિની શ્રોફ

વામન અને વિરાટ-શારીરિક કદનું પ્રમાણ દર્શાવતા આ બંને શબ્દ આપણી સંસ્કૃતિમાં પણ મહત્ત્વ ધરાવે છે. વિષ્ણુના પાંચમા વામન સ્વરૂપના અવતારે દૈત્યોને અટકાવવા વિરાટ સ્વરૂપ ધારણ કરી ત્રણ ડગલામાં પૃથ્વી, આકાશ અને પાતાળ માપી લીધા અને દેવોની સલામતી અખંડ રહી. વિરાટ સ્વરૂપનું એટલું જ વિરાટ યોગદાન. અલબત્ત, શારીરિક ઊંચાઈ અને માનસિક ઊંચાઈ મેળ ખાઈ એ જરૂરી નથી.

તાજેતરના ઇતિહાસ પર નજર નાખીએ તો ઓસામા બિન લાદેનની શારીરિક ઊંચાઈ ખાસ્સી હતી, પણ માનસિક રીતે વામણો હતો. ગાંધીજીનું શારીરિક કદ વામણું હતું, પણ કર્તૃત્વ વિરાટ હતું. વામન અને વિરાટ કદના મુદ્દે વિશ્વ પર નજર નાખતા જાણવા મળે છે કે ગ્વાટેમાલા અને નેપાળના લોકોની શારીરિક ઊંચાઈ ઘણી ઓછી હોય છે જ્યારે નેધરલેન્ડસના લોકો શારીરિક ઊંચાઈમાં વિશ્વમાં નંબર વન ગણાય છે. 

છ ફૂટ છ ઈંચ કે એથી વધુ ઊંચાઈ મનુષ્યમાં વિશિષ્ટ માનવામાં આવે છે અને એમાં પણ નેધરલૅન્ડ્સ મેદાન મારી જાય છે. યુએસ અને ચીન વિશ્વની બે વિરાટ મહાસત્તા શારીરિક ઊંચાઈની બાબતે ટૉપ પચીસમાં પણ સ્થાન નથી ધરાવતા. નેધરલૅન્ડ્સની શારીરિક ઊંચાઈમાં થયેલી અસાધારણ પ્રગતિનાં કારણો જાણવા જેવાં છે. એ ચકાસવાથી આપણી સમજણનો વિસ્તાર થાય છે.

નેધરલૅન્ડ્સની ઊંચાઈ મીમાંસા

નેધરલૅન્ડ્સના લોકો ડચ પીપલ (Dutch People) તરીકે ઓળખાય છે. ડચ શબ્દ જર્મન ભાષામાંથી ઊતરી આવ્યો છે. એકલદોકલ ઊંચાઈના કિસ્સામાં અન્ય દેશના લોકો છત આંબી ગયા હોય એવાં ઉદાહરણ છે, પણ સમગ્ર દેશની વાત કરીએ તો સર્વે અનુસાર વિશ્વમાં છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા સૌથી વધુ લોકોની વસ્તી નેધરલૅન્ડ્સમાં જોવા મળે છે. 

ડચ પુરુષની સરાસરી ઊંચાઈ (ઍવરેજ હાઇટ) 182. 5 સે.મીટર એટલે કે 5 ફૂટ 11.9 ઇંચ અને ડચ મહિલાની સરાસરી ઊંચાઈ 168.7 સેન્ટિમીટર - 5 ફૂટ 6.5 ઇંચ છે. યુએસમાં પુરુષની સરાસરી ઊંચાઈ 177.1 સે.મી. - 5 ફૂટ 9.7 ઇંચ અને અમેરિકન મહિલાની સરાસરી ઊંચાઈ 163.5 સે.મી. - 5 ફૂટ 4.3 ઇંચ છે. 

જોકે ઇતિહાસનાં પાનાં ફેરવતાં વિપરિત ચિત્ર જોવા મળે છે. `રૉયલ સોસાયટી ઑફ લંડન' દ્વારા પ્રકાશિત એક અભ્યાસ અનુસાર 1850ની આસપાસ નેધરલૅન્ડ્સના પુરુષો યુરોપના સૌથી ઠીંગણા-બટકા લોકોમાં સ્થાન ધરાવતા હતા. 

1860ના અવલોકનમાં જણાવાયું છે કે 1860માં ડચ લશ્કરમાં ફરજ બજાવતા પુરુષોની સરાસરી ઊંચાઈ 165 સે.મી. - 5 ફૂટ 5 ઇંચ હતી અને એ સમયે યુએસના પુરુષોની હાઇટ 5 સે.મી. - 1.97 ઇંચ વધારે હતી અને અમેરિકન લોકો વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા લોકો ગણાતા હતા. ત્યાર પછી ચિત્ર સમૂળગું બદલાઈ ગયું. 165 વર્ષમાં ડચ લોકોની ઊંચાઈમાં 20 સે.મી. -7.8 ઇંચનો વધારો થયો છે જ્યારે અમેરિકનોમાં કેવળ 6 સે.મી. - 2.4 ઇંચ વધારો જોવા મળ્યો છે. આ આંકડાઓની માયાજાળ હકીકત સામે અરીસો ધરતી હોવાથી રજૂ કરી છે.
----
ખાધાખોરાકીની અસર 

આજના સમયમાં વિગન ફૂડ હેબિટ (કેવળ વનસ્પતિજન્ય ખોરાક આરોગવાનો અને પ્રાણીજન્ય ખોરાક, ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ ત્યજી દેવાનો) યુરોપ અને યુએસએમાં મોટા પ્રમાણમાં ફેલાઈ છે. જોકે નેધરલૅન્ડ્સમાં વિગન આહાર લેનારાઓની સંખ્યા અત્યંત નજીવી છે. એકંદરે ડચ લોકોમાં ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, ચીઝ, માખણ, યોગર્ટ, ક્રીમ, ઘી વગેરે) માટે અનહદનો લગાવ જોવા મળે છે. 

અભ્યાસ અનુસાર ઊંચાઈ વધારવામાં આ ખોરાકી આદતે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ અભ્યાસ કરનારી ટીમના પ્રોફેસર લુઈ બેરેટના કહેવા અનુસાર પડેરી પ્રોડક્ટ્સમાં કૅલ્શિયમની માત્રા ઊંચા પ્રમાણમાં હોય છે અને કૅલ્શિયમ હાડકાના બંધારણ અને વિકાસ માટે અગત્યનું છે. આ ખોરાકી આદતથી કૅલ્શિયમનો પુરવઠો શરીરને સતત અને સારા પ્રમાણમાં મળે છે જેણે લોકોની ઊંચાઈ વધારવામાં મહત્ત્વનો રોલ અદા કર્યો છે. ચીઝ અને દૂધના ઉત્પાદન અને વપરાશમાં નેધરલૅન્ડ્સ અગ્રણી દેશ છે. 

અભ્યાસ અનુસાર પર્યાવરણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બહેતર આરોગ્ય અને આરોગ્ય સેવા, બહેતર શિક્ષણ અને આર્થિક સમૃદ્ધિ જેવાં પરિબળો પણ ઊંચાઈ વધવાના મુદ્દા સાથે સાંકળવામાં આવ્યા છે. લંડનના બિહેવિયરલ બાયોલૉજિસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે વધુ ઊંચાઈ ધરાવતા પુરુષોને વધુ સંતાન હતાં. જેનેટિક્સ સાયન્સ અનુસાર ઊંચા પુરુષો ઊંચાઈ માટેના ગુણસૂત્રો (જીન્સ) નવી પેઢીને આપતા હોવાથી ડચ વસ્તીમાં ઊંચા લોકોનું પ્રમાણ વધતું રહે છે.
---

`તાડ' ક્લબ : 

આપણે ત્યાં ખૂબ ઊંચાઈવાળા લોકો માટે `તાડ' જેવા ઊંચા એવો ભાષા પ્રયોગ વપરાય છે. 1958માં અહીં The Klub Lange Mensen (Tall People’s Club)ની સ્થાપના કરવામાં આવી હતી જેને આપણે `તાડ ક્લબ' કહી શકીએ. સરાસરી ઊંચાઈથી વધુ હાઇટ ધરાવતા લોકો માટે આ સંગઠન શરૂ કરવામાં આવ્યું હતું. આ ક્લબનો સભ્ય કોણ બની શકે એની માર્ગદર્શિકા છે. પુરુષ ઓછામાં ઓછો 1.90 મીટર - 6 ફૂટ 3 ઇંચ ઊંચો હોવો જોઈએ અને મહિલાની ઊંચાઈ 1.80 મીટર - 5 ફૂટ 11 ઇંચ કે એથી વધુ હોવી જોઈએ.

મોજમજા અને ઉજવણી ઉપરાંત ક્લબમાં ઊંચા લોકોને નડતી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરવામાં આવે છે. ક્લબના ઘોષણાપત્રમાં સભ્યોને સતાવતી કેટલીક બાબત વિગતવાર સમજાવવા માં આવી છે. જેમ કે ટ્રેન, બસ કે ટ્રામમાં એમને પગતાણ (ટાંટિયા લંબાવીને બેસવાની અનુકૂળતા) ઓછી હોય છે. 

મોટાભાગની ઍરલાઇન્સ પણ એમને વિશેષ સગવડ આપવા ઉત્સુક નથી. કાર ઉત્પાદકો પણ તેમને માટે આરામદાયક સીટ બનાવવા અંગે ઉદાસીન છે. નેધરલૅન્ડ્સમાં બાઇસિકલનું ખાસ્સું ચલણ છે, પણ આ ઇન્ડસ્ટ્રી સુધ્ધાં મોંઘીદાટ સાઇકલ જ તાડ જેવા લોકો માટે બનાવે છે. આમ આ બધી સમસ્યા દૂર કરવા વિવિધ કોશિશ કરવામાં આવે છે.