આપણા ભારતીય રસોડામાં તીખાશ અને આકર્ષક રંગ લાવવા માટે લાલ મરચું પાવડર એક અનિવાર્ય મસાલો છે. દાળ-શાકથી લઈને દરેક વાનગી લાલ મરચા વગર અધૂરી લાગે છે. પરંતુ, આજકાલ બજારમાં વધુ નફો કમાવવાના ચક્કરમાં મસાલાઓમાં મોટા પાયે મિલાવટ કરવામાં આવી રહી છે. લાલ મરચામાં ઈંટોનો ભૂકો, લાકડાનો વહેર, સ્ટાર્ચ અને કેન્સર જેવા ગંભીર રોગો નોતરી શકે તેવા કેમિકલ કલર ભેળવવામાં આવે છે.
આવો ઝેરી મસાલો આપણા પરિવારના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એક અહેવાલ અનુસાર, તમે બજારમાંથી લાવેલા લાલ મરચાની શુદ્ધતા ખૂબ જ સરળતાથી, કોઈપણ ખર્ચ વગર ઘરે બેઠા આ 4 રીતો દ્વારાચેક કરી શકો છો:
વોટર ટેસ્ટ:
એક કાચના ગ્લાસમાં ચોખ્ખું પાણી લો. તેમાં ઉપરથી એક ચમચી લાલ મરચું પાવડર નાખો.
જો મરચું પાવડર શુદ્ધ હશે, તો તે પાણીની સપાટી પર થોડીવાર તરતો રહેશે અને ધીમે-ધીમે નીચે બેસશે. પરંતુ જો મરચું પાણીમાં નાખતાની સાથે જ પથ્થરની જેમ ઝડપથી નીચે બેસી જાય અને પાણીનો રંગ એકદમ ઘટ્ટ લાલ થઈ જાય, તો તેમાં ઈંટોનો ભૂકો અથવા ભારે કેમિકલ કલર ભળેલો છે.
રબિંગ ટેસ્ટ:
થોડો લાલ મરચું પાવડર તમારી આંગળીઓ અને અંગૂઠાની વચ્ચે લો અને તેને જોરથી ઘસો.
જો ઘસતી વખતે તમને પાવડર એકદમ લીસો લાગે, તો તે શુદ્ધ છે. પરંતુ જો આંગળીઓમાં કણ કે કચરો અનુભવાય, તો સમજી લેવું કે વજન વધારવા માટે તેમાં ઈંટોનો બારીક ભૂકો, રેતી કે લાકડાનો વહેર ભેળવવામાં આવ્યો છે.
સ્ટાર્ચ ટેસ્ટઃ
ઘણીવાર મરચાનો જથ્થો વધારવા માટે તેમાં સ્ટાર્ચ કે રાઈસ પાવડર ઉમેરવામાં આવે છે. આ તપાસવા માટે થોડું મરચું લઈ તેમાં ટિંકચર આયોડિનના થોડા ટીપાં ઉમેરો.
જો આયોડિન ઉમેર્યા પછી મરચાના પાવડરનો રંગ બદલાઈને વાદળી થઈ જાય, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ અથવા ચોખાના લોટની મિલાવટ કરવામાં આવી છે.
આર્ટિફિશિયલ કલર ટેસ્ટઃ
એક ગ્લાસ પાણીમાં થોડું લાલ મરચું નાખીને ગ્લાસને 5 થી 10 મિનિટ માટે સ્થિર મૂકી રાખો.
જો પાણીની ઉપરના ભાગમાં લાલ રંગની તેલીય સપાટી અથવા અલગ જ કેમિકલ જેવું પડ દેખાય, તો તેમાં કપડાં રંગવાના કે જીવલેણ આર્ટિફિશિયલ કલર ભેળવેલા છે. શુદ્ધ મરચું પાણીમાં કલરનું આવું અકુદરતી પડ બનાવતું નથી.