નિશા સંઘવી
ઘણા લોકો માને છે કે ‘હું સિગારેટ પીઉં છું એટલે મને આરોગ્ય વીમો નહીં મળે.’ આ માન્યતા ખોટી છે. ભારતમાં ધૂમ્રપાન કરનારને પણ આરોગ્ય વીમો મળે છે. હા, રસ્તો થોડો અલગ છે, વધુ સવાલ પુછાય છે, ક્યારેક મેડિકલ ટેસ્ટ થાય છે અને પ્રીમિયમ વધારે પણ હોઈ શકે છે.
ચાલો, આખી વાત સરળ ભાષામાં સમજીએ વીમા કંપનીની નજરે: ‘સ્મોકર’ કોણ?
માત્ર સિગારેટ પીનાર જ નહીં. બીડી, હુક્કો, ગુટખા, તમાકુવાળું પાન-મસાલા, ચાવવાની તમાકુ કે ઈ-સિગારેટ (વેપિંગ) કોઈ પણ રીતે નિકોટિન લેતા હો તો વીમા કંપની તમને ‘સ્મોકર’ ગણે છે.
અને એક વાત ખાસ: તમે થોડા સમય પહેલાં જ છોડ્યું હોય તો પણ ફોર્મમાં જૂની આદત જણાવવી પડે છે. મોટાભાગની કંપનીઓ છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયની આદત પૂછે છે. ફોર્મમાં એવા સવાલ પણ હોય છે કે તમાકુ કયા સ્વરૂપે લો છો, કેટલા સમયથી અને કેટલી માત્રામાં. આ બધા જવાબ સાચા આપવા જરૂરી છે.
પ્રીમિયમ પર કેટલી અસર?
અહીં લોકોમાં સૌથી વધુ ગેરસમજ છે. ટર્મ ઇન્શ્યોરન્સ (જીવન વીમા)માં સ્મોકરનું પ્રીમિયમ 40થી 100 ટકા સુધી વધી જાય છે. પણ આરોગ્ય વીમામાં ચિત્ર થોડું જુદું છે. ઘણી કંપનીઓ માત્ર ધૂમ્રપાનની આદતના કારણે પ્રીમિયમ વધારતી નથી તે તમારી હાલની તબિયત જુએ છે. એટલે કે તમે સ્મોકર હો પણ તબિયત સારી હોય, તો પ્રીમિયમ લગભગ સામાન્ય જેટલું જ રહી શકે છે.
જોકે કેટલીક કંપનીઓ મેડિકલ ટેસ્ટમાં નિકોટિન મળે તો પ્રીમિયમ પર ‘લોડિંગ’ એટલે કે વધારો કરે છે. આ વધારો કંપની પ્રમાણે અલગ હોય છે. અને જો ધૂમ્રપાનના કારણે બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ કે હૃદયની બીમારી શરૂ થઈ ગઈ હોય તો પ્રીમિયમ ચોક્કસ વધે છે. ટૂંકમાં આદત કરતાં તબિયત વધુ મહત્ત્વની છે.
મેડિકલ ટેસ્ટ થાય?
હંમેશાં નહીં. પણ ઉંમર વધારે હોય (ખાસ કરીને 50થી ઉપર), વીમાની રકમ મોટી હોય કે ફોર્મમાં ધૂમ્રપાન જણાવ્યું હોય, તો કંપની ટેસ્ટ કરાવી શકે છે. લોહી કે પેશાબમાં નિકોટિનનાં નિશાન સહેલાઈથી પકડાય છે. તેથી છુપાવવાનો કોઈ અર્થ નથી.
તબિયત બગડી હોય તેવા સ્મોકર માટે શું?
ધૂમ્રપાનની સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે શ્વાસની બીમારી હોય તો પણ વીમો મળી શકે છે, પણ ત્રણ વાત ધ્યાનમાં રાખો: પહેલી, મેડિકલ ટેસ્ટ લગભગ ફરજિયાત બનશે. બીજી, પ્રીમિયમ વધારે રહેશે. ત્રીજી, પહેલેથી હાજર બીમારી (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) માટે 1થી 4 વર્ષનો વેઇટિંગ પિરિયડ લાગશે, એટલે તે બીમારીનો ક્લેમ એ સમય પછી જ મળશે. ગંભીર કિસ્સામાં કંપની અમુક બીમારી કાયમ માટે બાકાત (એક્સક્લુડ) પણ કરી શકે છે અથવા અરજી નકારી પણ શકે છે. તેથી જેટલા વહેલા વીમો લો, તેટલું સારું તબિયત બગડે તે પહેલાં.
સૌથી મોટું જોખમ: સાચું ન કહેવું
પ્રીમિયમ બચાવવા આદત છુપાવવી એ સૌથી મોંઘી ભૂલ છે. ક્લેમ વખતે વીમા કંપની હોસ્પિટલના રેકોર્ડ અને જૂના રિપોર્ટ તપાસે છે. ફેફસાં કે હૃદયની બીમારીનો ક્લેમ આવે અને ખબર પડે કે ધૂમ્રપાનની વાત છુપાવી હતી, તો ક્લેમ નકારાય છે અને પૉલિસી રદ પણ થઈ શકે છે ભરેલાં બધાં પ્રીમિયમ પાણીમાં. સાચું જણાવવાથી પ્રીમિયમ થોડું વધશે, પણ જરૂરિયાત ના સમયે પૉલિસી કામ આવશે એની ખાતરી રહેશે.
એક સારા સમાચાર
તમે ધૂમ્રપાન કાયમ માટે છોડી દો અને અમુક વર્ષ સુધી દૂર રહો, તો ઘણી કંપનીઓ તમને ફરી ‘નોન-સ્મોકર’ ગણે છે અને પ્રીમિયમ ઘટે છે. તબિયત અને ખિસ્સું બંને માટે છોડવું જ શ્રેષ્ઠ ઉપાય છે.
બીજી વાત: નોકરી કરતા હો તો કંપની તરફથી મળતી ગ્રૂપ પૉલિસીમાં સ્મોકર માટે નિયમો સામાન્ય રીતે હળવા હોય છે, કારણ કે તેમાં જોખમ બધા કર્મચારીઓ વચ્ચે વહેંચાય છે. આમ છતાં માત્ર ગ્રૂપ પૉલિસી પર આધાર ન રાખતાં પોતાની અલગ પૉલિસી પણ રાખવી હિતકારક રહે છે.
નિષ્કર્ષ
ધૂમ્રપાન કરનારાઓને કેન્સર, હૃદયરોગ અને ફેફસાંની બીમારીનું જોખમ વધારે હોય છે અને આ બીમારીઓની સારવાર લાખોમાં જાય છે એટલે સ્મોકર માટે આરોગ્ય વીમો બીજા કરતાં પણ વધુ જરૂરી છે. ફોર્મમાં આદત સાચી જણાવો, જુદી જુદી કંપનીઓની સરખામણી કરો, પૂરતી વીમા રકમ પસંદ કરો અને પૉલિસીની શરતો ખાસ કરીને વેઇટિંગ પિરિયડ અને એક્સક્લુઝન ધ્યાનથી વાંચો. પ્રીમિયમ ભરવા પર કલમ 80-ડી હેઠળ ટેક્સનો લાભ પણ મળે છે.
યાદ રાખો
વીમા કંપની આદતની સજા નથી આપતી, પણ જૂઠની સજા ચોક્કસ આપે છે.