નવી દિલ્હીઃ 2024થી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું સુકાન સંભાળનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચ વખત આઇપીએલના ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)થી અલગ થઈ ગયો હોવાના અહેવાલને પગલે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હાર્દિક (Hardik)ને મેળવવા કેટલીક ટીમો વચ્ચે હરીફાઈ શરૂ થઈ છે.
આ અહેવાલ વચ્ચે સંભળાઈ રહ્યું છે કે હાર્દિકને મેળવવા સૌથી તીવ્ર હરીફાઈ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે જામી છે. એમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે હાર્દિક આગામી સીઝનમાં કઈ ટીમની જર્સીમાં જોવા મળશે.
32 વર્ષીય હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સના વધુ એક નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ ટીમથી અંતર બનાવી લીધું હોવાનું મનાય છે ત્યારે એવું મનાય છે કે 2027ની આઇપીએલ માટેના ટ્રેડ ડીલ સંબંધમાં જે ખેલાડીઓને મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં હાર્દિકનું નામ અગ્રેસર છે. કહેવાય છે કે આઇપીએલની સાત ટીમે હાર્દિકને મેળવવાની ઇચ્છા બતાવી છે અને એમાં ચેન્નઈ તથા કોલકાતા ઉપરાંત બેંગ્લૂરુ, હૈદરાબાદ, રાજસ્થાનનો પણ સમાવેશ છે. બીજી બે ટીમના નામ હજી સ્પષ્ટપણે બહાર નથી આવ્યા.
એક સવાલ એ પણ છે કે હાર્દિક હવે પછી જે પણ ટીમમાં જશે એમાં તેને કૅપ્ટન બનાવાશે કે તે અન્ય કોઈ ખેલાડીની કૅપ્ટન્સીમાં માત્ર એક ખેલાડી તરીકે રમશે.