સાબરકાંઠા : ગુજરાતમાં મંગળવારે પડેલા વરસાદ બાદ આજે સવારથી વાતાવરણ ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારમાં મોડી સાંજે વરસાદ પડવાની માહિતી મળી છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત મહિસાગર અને અમરેલીમાં રાત્રે વરસાદનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર અને મહિસાગરમાં 1 -1 ઇંચ વરસાદ નોંધાયો છે.
દેલવાડા, આંબા મહુડા, ગણેરમાં પણ વરસાદ
રાજયમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં મોડી સાંજે સાબરકાંઠા પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાત-રાજસ્થાન સરહદ વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. જ્યારે વિજય નગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારથી ભારે બફારા બાદ અચાનક મોસમ બદલાયું હતું.
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બપોર બાદ વરસાદ
જ્યારે અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બાબરાના ઘુઘરાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હોવાની માહિતી મળી છે. આ વરસાદી માહોલને પગલે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન બદલાવાની શકયતા
જ્યારે હવામાન વિભાગે રાજ્યના કેટલાક સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પાટણના સમીમાં સૌથી વધુ 0.55 ઇંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
જેમાં સુરતના કામરેજમાં 0.28 ઇંચ, સુરતના ઓલપાડમાં 0.24 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 0.16 ઇંચ, મહેસાણાના વિસનગરમાં 0.16 ઇંચ, વાવ-થરાદના થદામાં 0.12 ઇંચ, તાપીના ઉકાઈમાં 0.12 ઇંચ, બનાસકાંઠાની દાંતીવાડામાં 0.08 ઇંચ, ડાંગના આહવામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.