Sun Sep 06 2026

Logo

વિધાનસભામાં 'રાદડિયા-ઈટાલિયા'ની જાદુઈ ઝપ્પી! બે મહારથીની મુલાકાતે જગાવી ચર્ચા...

2026-02-16 22:31:00
Author: Devayat Khatana
વિધાનસભામાં 'રાદડિયા-ઈટાલિયા'ની જાદુઈ ઝપ્પી! બે મહારથીની મુલાકાતે જગાવી ચર્ચા...

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો.  સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કરતા રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતો રજૂ કરી હતી. જોકે, સત્ર શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટરો સાથે વિધાનસભા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

જો કે આજના દિવસે એક દ્રશ્યએ ખાસ ચર્ચા જગાવી હતી. રાજકારણમાં ભલે ગમે તેટલા એક બીજા પર નેતાઓ આરોપ કરતાં હોય, પણ અંતે જાણે એક મેક જ હોય, તેમ સાથે હળતા મળતા જોવા મળતા હોય છે. ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હોય તેવી બે વિધાનસભા બેઠકો એટલે જેતપુર અને વિસાવદર. આજે વિધાનસભામાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાને હાથ મિલાવતાં અને ગળે મળ્યા હતા. 

આ દ્રશ્યએ ભારે ચર્ચા જગાવી છે. તેનું કારણ છે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં ભાજપે ઇન્ચાર્જની જવાબદારી જયેશ રાદડિયાને શિરે આપી હતી. જો કે એ નોંધવું રહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ ન તો સીધો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યો હતો કે ન તો ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયાનું નામ લીધું હોય.