(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો હતો. ગુરુવારના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર અનુસાર, હવેથી જિલ્લા કલેક્ટરોને મહેસૂલ વિભાગ હસ્તકના વિવિધ ખાતાના વડાઓની કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓની જે તે જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તા સોંપવામાં આવી હતી.
અત્યાર સુધી નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને તલાટીઓની બદલી કલેક્ટર દ્વારા થતી હતી, પરંતુ હવે તેમાં સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1 અને 2, સિનિયર સર્વેયર, સર્વેયર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી અનિવાર્ય કે તાકીદના વહીવટી સંજોગોમાં સ્થાનિક કક્ષાએ ઝડપી નિર્ણય લઈ શકાય.
પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સત્તા હેઠળ કલેક્ટર માત્ર સંબંધિત ખાતાના વડાના મહેકમ પૂરતી જ બદલી કરી શકશે. એટલે કે, કોઈ એક ખાતાના કર્મચારીની બદલી બીજા ખાતામાં કરી શકાશે નહીં. દાખલા તરીકે, સેટલમેન્ટ કમિશનરના તાબા હેઠળના સર્વેયરની બદલી તે જ ખાતાની જિલ્લામાં આવેલી અન્ય કચેરીમાં થઈ શકશે, પરંતુ તેમની બદલી નોંધણી સર નિરીક્ષકની કચેરી કે કલેક્ટર કચેરીની જગ્યા પર કરી શકાશે નહીં.
આ જોગવાઈથી ખાતાવાર મહેકમની વ્યવસ્થા જળવાઈ રહેશે અને કામગીરીમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં. વધુમાં, ઠરાવમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કલેક્ટરે જ્યારે અન્ય ખાતાના વડાઓના તાબા હેઠળના કર્મચારીઓની બદલી કરવી હોય, ત્યારે સંબંધિત જિલ્લા કક્ષાના અધિકારી સાથે યોગ્ય સંકલન સાધવું પડશે, જેથી કચેરીની રોજબરોજની કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે.