(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો ખાલી થઈ રહી છે, જેના માટે આગામી 18 જૂનના રોજ મતદાન થવાનું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે ગુજરાત રાજ્યમાંથી ઉપલા ગૃહ (રાજ્યસભા)ની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માટે પોતાના ચાર નેતાઓની પસંદગી કરી લીધી છે.
ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પાર્ટીએ ગુજરાતમાંથી ઉમેદવાર તરીકે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયાના નામની જાહેરાત કરી છે. વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની યાદીના ભાગરૂપે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતના આ ચારેય નેતાઓના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે.
