Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, 131 તાલુકામાં વરસાદ

2026-08-12 20:35:25
Author: Pooja Shah
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, 131 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારથી જામેલો વરસાદી માહોલ હજુ યથાવત છે. બુધવારે પણ રાજ્યના લગભગ 131 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે કોઈપણ જિલ્લામાં ભારે વરસાદના અહેવાલો નથી. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા અનુસાર સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં સાડા ત્રણ ઇંચ નોંધાયો હતો.

જ્યારે સાબરકાંઠાના વેડગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અને વડાલીમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના સતલાસણામાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, પાટણ તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. 

દરમિયાન હવામાન ખાતાની આગાહી અનુસાર આજે ૧૩ ઓગસ્ટના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર તેમજ દમણ, દાદરા અને નગર હવેલી સહિતના અનેક જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડા, ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.