Tue Jul 07 2026

Logo

ગુજરાતમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં જળબંબોળ; જાણો 5 જિલ્લામાં રેડ એલર્ટ

2026-07-07 08:57:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ ગુજરાત પર એકથી વધુ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં  5 ઇંચથી વધારે, સાત તાલુકામાં 4 ઇંચથી વધારે, 11 તાલુકામાં 3 ઇંચથી વધારે,  21 તાલુકામાં 2 ઇંચથી વધારે, 49 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 128 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ, કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગાવમાં 6.26 ઇંચ, ઘોઘામાં 6.14 ઇંચ, નાનાપોંઢામાં 5.91 ઇંચ, કપરાડામાં 5.39 ઇંચ, સુરત શહેરમાં 5.39 ઇંચ, વલસાડમાં 5.28 ઇંચ, ખેરગામમાં 4.88 ઇંચ, લાઠીમાં 4.61 ઇંચ, ભાવનગરમાં 4.49 ઇંચ, શિહોરમાં 4.45 ઇંચ, બાબરામાં 4.37 ઇંચ, અમરેલીમાં 4.25 ઇંચ, રાધનપુરમાં 4.21 ઇંચ, સિનોરમાં 3.90 ઇંચ,ખાનપુરમાં 3.86 ઇંચ, સાવરકુંડલામાં 3.82 ઇંચ, ડોલવણમાં 3.70 ઇંચ, ધરમપુરમાં 3.62 ઇંચ, ડભોઈમાં 3.54 ઇંચ, બોડેલીમાં 3.43 ઇંચ, ગારિયાધારમાં 3.39 ઇંચ, ઉમરાળામાં 3.15 ઇંચ, સાગરાબારમાં 3.11 ઇંચ, વાગરમાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે ગણદેવીમાં 2.95 ઇંચ, નવસારીમાં 2.87 ઇંચ, માંગરોળમાં 2.76 ઇંચ, લીલીયામાં 2.68 ઇંચ, અંબિકા 2.60 ઇંચ, પાદરામાં 2.48 ઇંચ, વાલીયામાં 2.48 ઇંચ, ડાંગ આહવામાં 2.40 ઇંચ, ચીખલીમાં 2.36 ઇંચ, વડોદરામાં 2.32 ઇંચ, વલ્લભીપુરમાં 2.24 ઇંચ, વાલોદમાં 2.20 ઇંચ, મહુવા (ભાવનગર)માં 2.17 ઇંચ,પલસાણામાં 2.17 ઇંચ, ધંધુકામાં 2.17 ઇંચ, મહુવામાં 2.09 ઇંચ, જલાલપોરમાં 2.09 ઇંચ, પાલીતાણામાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ

આજે નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ ખતરનાક આગાહી કરી છે. જે મુજબ વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.