Thu Jul 23 2026

Logo

ચોમાસામાં બચાવ કામગીરી માટે રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 36 ટીમો તહેનાત કરાશે

2026-06-04 19:17:13
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાત ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક, મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારના મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે સજ્જ છે અને આ માટે તેમણે તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી. તેમણે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી ચીજ-વસ્તુઓ, દવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. 

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ-રસ્તા અને ગટરના કામો ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવરજવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.  પ્રથમ વરસાદ અને વાવાઝોડા દરમિયાન ઝાડ પડવાની ઘટનાઓ રોકવા માટે વન વિભાગે સ્થાનિક તંત્ર સાથે મળીને અત્યારથી જ વૃક્ષોનું ટ્રિમિંગ કરી લેવા જણાવ્યું હતું. 

આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન બચાવ કામગીરી માટે રાજ્યમાં એનડીઆરએફની 14 અને એસડીઆરએફની 22 ટીમો તહેનાત કરવામાં આવશે. આ તમામ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી સજ્જ હશે. સ્ટેટ મોન્સુન ડિઝાસ્ટર પ્લાન મુજબ દરેક વિભાગના સંબંધિત અધિકારીઓએ જિલ્લા સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે તેમ જણાવ્યું હતું.