Fri Apr 17 2026

Logo

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદાન પહેલા જ 730 બેઠકો બિનહરીફ! વિપક્ષના લોકતંત્રની 'હત્યા'ના આક્ષેપ

2026-04-17 22:10:44
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: લોકશાહીમાં ચૂંટણીઓ સત્તામાં લોકોની ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટેની એક પૂર્વશરત સમાન પ્રક્રિયા છે, જો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોની ભાગીદારીના સ્થાને ગજબનો રાજકીય ડ્રામા સર્જાયો હતો અને  રાજ્યમાં મતદાન યોજાય તે પૂર્વે જ ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ, રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. 

આ બિનહરીફ વિજેતાઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તમામ મોરચે આગળ છે. સમગ્ર રાજ્યમાં કુલ 730 બેઠકો પર બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે, જેમાંથી સૌથી વધુ બેઠકો ભાજપના ફાળે જાય છે. નગરપાલિકાઓમાં બિનહરીફ વિજયનો આંકડો સૌથી વધુ જોવા મળ્યો છે, જ્યાં કુલ 385 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ પૈકી ભાજપના 370 ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે 12 અને અપક્ષોએ 3 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે.

 તેવી જ રીતે મહાનગરપાલિકામાં કુલ 43 બેઠકો બિનહરીફ થઈ છે, જે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કબ્જો રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો, તાલુકા પંચાયતોમાં કુલ 251 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા છે, જેમાં તમામ 251 વિજેતાઓ ભાજપના છે. બીજી તરફ, જિલ્લા પંચાયતોમાં 51 બેઠકો બિનહરીફ થઈ છે, અને આ તમામ પર ભાજપે જીત નોંધાવી છે. આમ, કોર્પોરેશનથી લઈને પંચાયત સ્તર સુધી મતદાન પહેલા જ ચૂંટણી પરિણામનું એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 

રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે?
બિનહરીફ જીતના મુદ્દે ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. વિપક્ષે આ મુદ્દે ભાજપ પર લોકશાહીની હત્યાનો આક્ષેપ લગાવ્યો હતો. વિપક્ષે તેમના ઉમેદવારોને ગુપ્ત સ્થળે પણ લઈ જવામાં આવ્યા હતા. આ સ્થિતિ મુદ્દે રાજકીય વિશ્લેષકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે લોકશાહીમાં લોકો પાસેથી મતદાનનો અધિકાર લઈ લેવો તે ખૂબ ગંભીર ઘટના છે. તેમણે બિનહરીફ ચૂંટણી અંગે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે લોકો સર્વાનુમતે ઉમેદવારને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકારી તે આવકાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું નથી, અત્યારે તો પાછલા બારણે અને રાજકીય વગથી જે ઘટનાક્રમ સર્જાયો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે.