Sun Sep 06 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2021માં ગુજરાતમાં કેટલા મતદારોએ NOTA પર ઉતારી હતી પસંદગી? આંકડો જાણીને ચોંકી જશો

2026-04-03 12:41:00
Author: Mayur Patel
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2021માં ગુજરાતમાં કેટલા મતદારોએ NOTA પર ઉતારી હતી પસંદગી? આંકડો જાણીને ચોંકી જશો

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન 6 એપ્રિલથી શરૂ થશે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચ 28 એપ્રિલે 9,024 બેઠકો માટે પરિણામો જાહેર કરશે.  2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં  8.37 લાખ મતદારોએ NOTA પર પસંદગી ઉતારી હતી. આ વખતે પણ કેટલાક વોર્ડમાં ઉમેદવારોના હાર-જીતના ગણિતમાં નોટા નિર્ણાયક બની શકે છે.

વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડેલા કુલ 1.81 કરોડ મતમાંથી 72093એ, જિલ્લા પંચાયતમાં 1.62 કરોડ મતમાંથી 3.89 લાખે, તાલુકા પંચાયતમાં 1.67 કરોડ મતમાંથી 3.42 લાખ જ્યારે નગરપાલિકામાં 94.84 લાખ પડેલા મતમાંથી 33750માં નોટા ના વિકલ્પ પર પસંદગી ઉતારી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નોટામાં પડેલા મતનું પ્રમાણ વધારે હતું. જેમાં જિલ્લા પંચાયતમાં 2.39 ટકા જ્યારે તાલુકા પંચાયતમાં 2.04 ટકા લોકોએ 'નોટા' ના વિકલ્પ પર પસંદગી ઉતારી હતી. કુલ પડેલા 60.6 કરોડ મતમાંથી નોટાને પડેલા મતનું પ્રમાણ 1.38 ટકા હતું. 

આ વખતે NOTA માં પડી શકે છે વધુ મત

સૂત્રોના મતે ખરાબ રસ્તા, અનેક વિસ્તારોમાં દૂષિત પાણી, જનપ્રતિનિધિઓની નબળી કામગીરી, અવાર-નવાર તૂટતા બ્રિજ જેવા પ્રશ્નોને પગલે આ વખતે નોટામાં પડનારા મતનું પ્રમાણ વધી શકે છે. વર્ષ 2021ની કોર્પેોરેશનની ચૂંટણીમાં અમદાવાદમાંથી 25,245, સુરતમાંથી 16311, વડોદરામાંથી 14897, રાજકોટમાંથી 7289 મત નોટાને મળ્યા હતા.

ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો.નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.