જીએસટી કાઉન્સિલને અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશને લખ્યો પત્ર
અમદાવાદઃ ગૂડ્સ સર્વિસ ટેક્સ્ટ (જીએસટી)માં છેતરપિંડી અટકાવવા અને નાના વેપારીઓ માટે સરળતા લાવવા અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન તરફથી કેન્દ્રના નાણા પ્રધાન વિનંતી કરવામાં આવે છે કે જીએસટી પ્રક્રિયામાં જે તબક્કાઓમાં છેતરપિંડીની શક્યતા ઊભી થાય છે, તે તબક્કાઓને ઓળખી અને રિ-ડિઝાઇન કરીને નાના વેપારીઓને પડતી મુશ્કેલીઓમાં રાહત આપીને બોગસ ડીલીટ કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરતા વેપારીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ પત્રમાં જણાવ્યું છે કે ઘણી વખત બોગસ કે નકલી કંપનીઓ બનાવીને ફેક ઇન્વોઇસ અને આઈટીસી મેળવી લઈને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વધુ ચુસ્તી લાવવી જરૂરી છે. વાસ્તવિક સપ્લાય વિના ઇન્વોઇસ માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને આઈટીસી મેળવવામાં આવે છે. આવું અટકાવવા માટે ટ્રાન્ઝેક્શન આધારિત પુરાવા જરૂરી બનાવવું જોઈએ. લેયરિંગ દ્વારા આઈટીસી ટ્રાન્સફરના કિસ્સાઓમાં અનેક ડમી કંપનીઓ દ્વારા આઈટીસી પસાર થાય છે. આવા તબક્કામાં રિસ્ક આધારિત નિયંત્રણો લાવવાની જરૂર છે. આ સાથે હાલ તપાસ અને કાર્યવાહી ફાયદો મળી ગયા પછી થાય છે. હવે રિસ્ક સિગ્નલ્સ પહેલા તબક્કામાં જ ઓળખી શકાય તેવી વ્યવસ્થા લાવવી જોઈએ.
જીએસટીનું પાલન મુખ્યત્વે ઉત્પાદકો અથવા મોટા વિતરણકારો સુધી મર્યાદિત રાખવું જોઈએ. નાના વેપારીઓને આઈટીસી ક્લેઇમ કરવાની ફરજથી મુક્ત રાખવી, જેથી તેઓ સરળતાથી ટેક્સપેઇડ માલ વેચી શકે. ખાસ કરીને નાના શહેરો, ગામડાં અને ઉપનગરોમાં કામ કરતા વેપારીઓ માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. જે તબક્કામાં ખોટા નાણાકીય લાભની શક્યતા ઊભી થાય છે, તે તબક્કાને દૂર અથવા રિ-ડિઝાઇન કરી, વધુ સુરક્ષિત અને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાના અભિગમથી નાના વેપારીઓ પરનો ભાર ઘટશે, ટેક્સ એડમિનિસ્ટ્રેશન સરળ બનશે અને છેતરપિંડી અટકશે. તેવી રજૂઆત ફેડરેશન દ્વારા કરવામાં આવી છે.