Wed Jun 03 2026

Logo

ગુજરાતમાં શરૂ કરાયું  ખેત બચાવો અભિયાન, રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા અપીલ

2026-06-03 21:33:41
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ભારત સરકારે સમગ્ર દેશમાં તા. 1 જૂનથી 30  જૂન, 2026 દરમિયાન "ખેત બચાવો અભિયાન" શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામેથી "ખેત બચાવો અભિયાન" રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. 

8000 થી વધુ ગામોને આવરી લેવાશે

જેમાં રાજ્યના 8000 થી વધુ ગામોને આવરી લઈ અંદાજે 6  લાખથી વધુ ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશય સાથે 'ખેત બચાવો અભિયાન' આગામી તા. 30  જૂન સુધી સમગ્ર રાજ્યમાં સઘન રીતે ચલાવવામાં આવશે.

જમીનની ફળદ્રુપતાના રક્ષણ માટે  અભિયાન

આ અભિયાનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોનો બિનજરૂરી અને અસંતુલિત ઉપયોગ અટકાવવા અને જમીનની ફળદ્રુપતાના રક્ષણ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખેડૂતોને યુરિયા અને DAP ખાતરના વધુ પડતા વપરાશમાં ઘટાડો કરવા તથા તેના અસરકારક વિકલ્પરૂપે એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ (SSP), NPK કોમ્પ્લેક્ષ ખાતર, આધુનિક નેનો-યુરિયા અને નેનો-ડીએપી જેવા નાઇટ્રોજન તથા ફોસ્ફેટિક ખાતરોના ઉપયોગ સંદર્ભે જાગૃત કરવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન 

આ અભિયાન હેઠળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપી જમીનના ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યમાં ટકાઉ સુધારો કરવા તથા વૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી ખેડૂતોની આર્થિક આવક વધારવા તરફ પ્રેરિત કરવામાં આવશે. 

એક માસ સુધી ખેડૂત જાગૃતિ અભિયાન

આ અભિયાનની પૂર્વતૈયારી રૂપે રાજ્યમાં સમતોલ અને સંકલિત ખાતર વપરાશ અંગે તા. 16-05-2026 થી તા. 16-06-2026 સુધી એક માસ સુધી "ખેડૂત જાગૃતિ અભિયાન" શરુ કરવામાં આવ્યું હતું. જેને હવે ૧ જૂનથી "ખેત બચાવો અભિયાન" સાથે સંકલિત કરી વધુ વ્યાપક બનાવાયું છે. એક માસ સુધી ચાલેલા આ ખેડૂત જાગૃતિ અભિયાન હેઠળ રાજ્યભરમાં કુલ 8945  કૃષિ જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન થયું હતું. જેમાં, 8945  ગામોના અંદાજે 3.20  લાખથી વધુ ખેડૂતોને ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

10,420  ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સઘન માર્ગદર્શન

તદુપરાંત, 16,000 થી વધુ ખેડૂતોની એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સફળ નોંધણી કરવામાં આવી હતી તેમજ ૫૦૦ લીટરથી વધુ નેનો ફર્ટિલાઈઝર અને અન્ય વૈકલ્પિક ખાતરોનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેત બચાવો અભિયાન અંતર્ગત માત્ર બે જ દિવસના ટૂંકા સમયગાળામાં કુલ 296  કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા છે. જેમાં, 296  ગામોના અંદાજે 10,420  ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. 

ખેડૂતો 25  ટકા ભાગમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે

આ ઉપરાંત 1000થી વધુ ખેડૂતોની એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત નોંધણી તથા નેનો ફર્ટિલાઈઝર વિતરણ સાથે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના સહાય-મંજૂરી પત્રો ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા છે."ખેત બચાવો અભિયાન"ના માધ્યમથી કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ પોતાની ખેતીલાયક જમીનના ઓછામાં ઓછા 25  ટકા ભાગમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે, જેથી ઓછા ખર્ચે ટકાઉ, સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી તરફ દેશ એક નવી દિશામાં આગળ વધી શકે.