Sat Apr 18 2026

Logo

ડીપફેક અને ભ્રામક કન્ટેન્ટ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટની લાલ આંખ: મેટા, ગૂગલ અને એક્સને નોટિસ

2026-04-16 17:14:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવતા ‘ડીપફેક’ અને ભ્રામક કન્ટેન્ટના અનિયંત્રિત ફેલાવા સામે ગુજરાત હાઈ કોર્ટે કડક લાલ આંખ કરી હતી. એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરતા અદાલતે મેટા ઈન્ડિયા, ગૂગલ, એક્સ (ટ્વિટર), રેડિટ અને સ્ક્રિબ જેવી દિગ્ગજ સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ પાઠવી હતી. 

અદાલતે આ પ્લેટફોર્મ્સને ગેરકાયદેસર ઓનલાઈન કન્ટેન્ટ રોકવા માટેના કાયદાકીય નિયમોના પાલન અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 8 મેના રોજ નિયત કરવામાં આવી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે, સમસ્યા કાયદાના અભાવની નહીં પરંતુ તેના અમલીકરણમાં રહેલી ખામીઓની છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે, આઈટી એક્ટ, 2000 અને 2021 ના સુધારેલા નિયમો હેઠળ પૂરતી જોગવાઈઓ છે, પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓ વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની નોટિસ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં વિલંબ કરે છે. 

ડીપફેક અને બોટ નેટવર્ક દ્વારા ફેલાતું કન્ટેન્ટ જાહેર વ્યવસ્થા, વ્યક્તિગત અધિકારો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો હોવાનું પણ સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યું હતું. હાઈ કોર્ટે વચગાળાના નિર્દેશો આપતા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સરકારી 'સહયોગ' પોર્ટલ સાથે જોડાવા આદેશ આપ્યો હતો. 

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગેરકાયદે કન્ટેન્ટ હટાવવા માટે મળેલી નોટિસ પર ત્વરિત એક્શન લેવા અને યોગ્ય સાવચેતી રાખવી તે મધ્યસ્થી કંપનીઓની કાનૂની જવાબદારી છે.