Tue Aug 18 2026

Logo

ગુજરાત માટે 6 દિવસ બહુ ભારે, 4 સિસ્ટમ સક્રિય, ક્યા 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી ?

2026-07-30 09:41:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત માટે 6 દિવસ બહુ ભારે છે. એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આજે સુરત, તાપી, નવસારી, વડોદરા, ભરૂચ, પંચમહાલ સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું  એલર્ટ આપવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત  ભારે વરસાદ પડવાની આગાહી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે.  આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.અંબાલાલ પટેલ મુજબ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ સુધીનો  વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.

પરેશ ગોસ્વામીની શું છે આગાહી

પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદના નવા ધમાકેદાર રાઉન્ડની આગાહી કરતાં જણાવ્યું કે, હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ઓડિશા લેન્ડ થઈ ચુકી છે. આ સિસ્ટમ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ 30 જુલાઈના રોજ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. જેના કારણે 30 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી આખું અઠવાડિયું વરસાદી માહોલ જામશે. આ રાઉન્ડમાં રાજ્યના 90 ટકા ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, સિસ્ટમના ટ્રફને જોતા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડી શકે છે.