ગાંધીનગર : ગુજરાતમાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વાયર ફ્રી સિટી મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે જણાવતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર "વાયર ફ્રી" બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 500 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.
17 મહાનગરપાલિકાઓ તથા 151 નગરપાલિકામાં અમલ
તેમણે વધુમાં જણાવ્યું કે આ મિશન હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ તથા 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. જે રાજ્યના શહેરી વિસ્તારોની સુંદરતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.
વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે, ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેમાં 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરાશે.
વરોધ વિના અવિરત વીજળી પ્રાપ્ત થશે
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ લાઈનોને અને ત્યારબાદ લો ટેન્શન લાઈનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે. આ ઉપરાંત, ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત અને કોઈપણ પ્રકારના અવરોધ વિના અવિરત વીજળી પ્રાપ્ત થશે.
સ્માર્ટ, સુંદર અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં પગલું
તેમજ ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઈનો બદલવાનો સામાન્ય પ્રોજેક્ટ નથી. પરંતુ 21 મી સદીના સ્માર્ટ, સુંદર અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં અમારી સરકારનું એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું છે,