ગાંધીનગરઃ ગુજરાત સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવતા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કે લોકાર્પણ વિધિ વિના જ આવતીકાલથી 300 નવી બસોને સીધી જ જનતાની સેવામાં મૂકી દેવામાં આવશે.
આ પ્રજાલક્ષી નિર્ણય પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ઈંધણ બચાવો’ની ખાસ અપીલ પ્રેરણારૂપ બની છે. સામાન્ય રીતે નવી બસોના લોકાર્પણ માટે મોટા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જેના કારણે બસોને ડેપો પર ઊભી રાખવી પડે છે અને ઈંધણ તેમજ અન્ય સંસાધનોનો વ્યય થાય છે. પરંતુ વડા પ્રધાનની અપીલને માન આપીને સરકારે આ બિનજરૂરી પ્રક્રિયા ટાળવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ભવ્ય સમારોહ પાછળ થતો કિંમતી સમય અને સરકારી નાણાંનો બગાડ અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. લોકાર્પણની રાહ જોયા વિના આ તમામ 300 નવી બસોને સીધી જ નક્કી કરેલા રૂટ પર દોડાવવામાં આવશે, જેથી મુસાફરોને તાત્કાલિક સુવિધા મળી રહે.
સરકારના આ પ્રશંસનીય અને વહીવટી સૂઝબૂઝવાળા નિર્ણયથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે અને સરકારી તંત્રની કાર્યક્ષમતામાં પણ વધારો જોવા મળશે.