Sat May 23 2026

Logo

સુરેન્દ્રનગરમાં ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસનો ગધેડા અને ખાલી કેરબા સાથે વિરોધ

2026-05-23 21:20:50
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણની અછત વર્તાઇ રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ખેડૂતોએ ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઊભા રહેવું મજબૂર બન્યા છે. આ મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે ડીઝલની અછત અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે  વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખની વરણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. 

કોંગ્રેસના કાર્યકરો તાલુકા પંચાયત કચેરી ખાતે ગધેડા અને ડીઝલના કેરબા સાથે પહોંચ્યા હતા અને  તેમણે ઢોલ-નગારા વગાડી અને સૂત્રોચ્ચાર કરી વર્તમાન સ્થિતિને કારણે સામાન્ય લોકોને પડી રહેલી હાલાકી મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આજે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે બે કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે તેમજ કેનાલમાં પાણી બંધ હોવા અને ડીઝલની અછતને કારણે ખેડૂતોની હાલાકી પડી રહી હોવાની વાત તેમણે તંત્ર સમક્ષ રાખી હતી.