(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ એન્જિનિયરિંગ કોલેજોમાં હજુ પણ 444 બેઠક ખાલી રહેતા પ્રોફેશનલ કોર્સીસ પ્રવેશ સમિતિ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પાંચમા ઓનલાઈન રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ પ્રવેશ મેળવતા અથવા ફાળવેલી બેઠકો કન્ફર્મ ન કરાવતા અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ સહિતની ટોચની સરકારી સંસ્થાઓમાં આ બેઠકો ખાલી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પાંચમા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ 6 ઓગસ્ટ સુધીમાં પોતાની ઓનલાઈન સંમતિ સબમિટ કરવાની રહેશે. ત્યાર બાદ 7 ઓગસ્ટના બેઠક ફાળવણી જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવે તેમણે 10 ઓગસ્ટ સુધીમાં જરૂરી ફી ભરીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. 14 ઓગસ્ટ સુધીમાં તમામ એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવાનો આદેશ હોવાથી આ વધારાનો રાઉન્ડ યોજવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણ ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ 28 જુલાઈના પ્રવેશ પ્રક્રિયા સમેટી લેવામાં આવી હતી. ત્યાર બાદ સેલ્ફ-ફાઈનાન્સ સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો જે-તે કોલેજોને સીધી ભરવા માટે સોંપી દેવામાં આવી હતી.
સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે અગાઉ ખાસ ચોથો રાઉન્ડ પણ યોજવામાં આવ્યો હતો, તેમ છતાં હજુ પણ બેઠકો ખાલી રહેતા અંતે આ પાંચમો રાઉન્ડ યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.