(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દેશવ્યાપી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં ‘સ્વ-ગણતરી’ ડિજિટલ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશને રાજ્યભરમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 17મી મેથી શરૂ થયેલી ‘સ્વ - ગણતરી’માં ડિજિટલ ઝુંબેશમાં અત્યાર સુધીમાં અંદાજે 2.36 લાખથી વધુ નાગરિકોએ ઓનલાઈન પોતાની અને પોતાના પરિવારની વિગતો સફળતાપૂર્વક નોંધાવી દીધી છે. આ ડિજિટલ અભિયાનમાં સામાન્ય નાગરિકોની સાથે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો તેમજ તમામ જિલ્લા કલેક્ટરો સહિત ઉચ્ચ સ્તરીય વહીવટી તંત્ર પણ સક્રિયપણે જોડાયું હોવાનું આંકડા કહે છે.
વસ્તી ગણતરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે જ ઓનલાઈન સબમિટ કરવાની સ્માર્ટ સુવિધા મળી છે. આ અંગે માહિતી આપતા ગુજરાતના વસ્તી ગણતરી નિયામક સુજલ મિયાત્રાએ જણાવ્યું હતું કે, ‘હવે નાગરિકોએ સરકારી સ્ટાફની લાંબી રાહ જોવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા જ મોબાઇલ એપ અથવા ઓનલાઇન પોર્ટલ મારફતે ક્યૂઆર કોડ સ્કેન કરીને ફોર્મ ભરી શકે છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી વસ્તી ગણતરીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને સંપૂર્ણ પારદર્શક બનશે.’.
રાજ્યના નાગરિકો આગામી 31મી મે, 2026 સુધી સત્તાવાર ડિજિટલ પોર્ટલ પર જઈને પોતાની વિગતો ઓનલાઈન સબમિટ કરી શકશે. ઓનલાઈન ફોર્મ પૂર્ણ થયા બાદ નાગરિકોને એક ખાસ એસઈ આઈડી આપવામાં આવશે. જ્યારે વસ્તી ગણતરીદાર તમારા ઘરે રૂબરૂ મુલાકાત લેશે, ત્યારે તેમને માત્ર આ એસઈ આઈડી જ આપવાનો રહેશે. ગણતરીદાર ડિજિટલી તેની ચકાસણી કરીને ડેટાને સીધો મૂળ ડેટાબેઝમાં સામેલ કરી દેશે. આ પ્રક્રિયા એકદમ સરળ છે.
ગત 29 મે અને 30 મેના રોજ સરકારી કર્મચારીઓ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 29 મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને 30 મેના રોજ પોલીસ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આંકડાની વાત કરવામાં આવે તો, ‘સ્વ-ગણતરી’ના ડિજિટલ ઝુંબેશમાં સૌથી આગળ અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં કુલ 42 હજારથી વધુ નોંધણીઓ થઈ છે. ત્યારબાદ ક્રમશઃ સુરત, વડોદરા, આણંદ, રાજકોટ અને મહેસાણા શહેર આવે છે. જનગણના અધિનિયમ-1948 હેઠળ એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે, તેનો ઉપયોગ કરવેરા કે કાનૂની કાર્યવાહી માટે નહીં થઈ શકે અને દરેક નાગરિકને સાચી માહિતી આપવી કાયદેસર ફરજિયાત છે તેવું વસ્તી ગણતરી વિભાગે જણાવ્યું છે.