Tue Aug 18 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ અનેક વ્યાધિમાં ઉપયોગી જડીબુટ્ટી સમાન છે ગુવારફળી

2026-08-11 09:57:00
Author: Srilekha Yagnik
Article Image

શ્રીલેખા યાજ્ઞિક

ગુવાર કે ગુવારફળી તરીકે જાણીતું લીલુંછમ શાક ખાસ ઉનાળામાં તેમ જ ચોમાસામાં તાજું-તાજું મળી રહે છે. ગુવાર સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી ગણાય છે. એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં ગુવારનો ઉપયોગ ભોજનમાં વિવિધિ રીતે કરવામાં આવતો. લગ્ન પ્રસંગ હોય કે શુભ પ્રસંગ સૂકવેલી ગુવારફળીને તળીને ચટપટી બનાવીને પીરસવામાં આવતી.ગુવાર-કોળું કે ગુવાર ઢોકળીનો ફરતે-ફરતે આજે પણ બનતી જ રહેતી હોય છે. 

સ્વાદિષ્ટ હોવાને કારણે  શાકમાં વિવિધતાના શોખીનો માટે પસંદગીની ફળી ગણાય છે. આયુર્વેદમાં ગુવારફળીને જડીબુટ્ટી ગણવામાં આવે છે. તેમાં વિવિધ ઔષધીય ગુણો સમાયેલાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી લીલોતરી શાક ગણાય છે. શરીરના સોજા, ત્વચા ઉપર વારંવાર ખંજવાળ આવવી તેમજ ખરજવાની વ્યાધિમાં અસરકારક ગણાય છે. કબજિયાત હોય કે ગેસ-વાયુની તકલીફમાં રાહતદાયક ગણાય છે. ઝાડા છૂટી પડવા કે સાઈનસની તકલીફ હોય, શરીરના કોઈ અંગમાં મચકોડ આવી હોય ત્યારે, વાગ્યું હોય ત્યારે ગવારફલીનો ઉપયોગ લાભદાયક ગણાય છે. 

ગુવારફળીને ભારતમાં વિવિધ નામે ઓળખવામાં આવ્યા છે, જેમ કે હિન્દીમાં ગુવારફલી, વનસેમિયા, અંગ્રેજીમાં ગુવારગમ, ક્લસ્ટર બીન્સ, સંસ્કૃતમાં ગોરાણી કે ગોપશિમ્બી કે સુશાકા, કોંકણીમાં મિડકીસાંગ, ક્ન્નડમાં ગોરીકાયી કે ગુવરકાયી, તમિળમાં કોટ્ટાવરઈ, બંગાળીમાં ઝારમિસ, પંજાબીમાં કુલટી કે ગુઆર, રાજસ્થાનીમાં ગન્વાર, મરાઠીમાં બાવાચી કે ગ્વાર તો ગુજરાતીમાં ગુવાર કે ગવાર ફળી તરીકે ઓળખાય છે.

પ્રત્યેક મોસમમાં મળતાં શાકભાજી તે મોસમને અનુરૂપ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. વળી જેને કારણે પેટ સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. ગુવારમાં કૅલ્શિયમ, ફાઈબર તેમ જ ફોસ્ફરસ સમાયેલું હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવા માટે આવશ્યક ગણાય છે. ગુવારમાં સમાયેલાં પોષક તત્ત્વોને કારણે તેનો આહારમાં ઉપયોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. હૃદય સંબંધિત તકલીફથી બચી શકાય છે. વજનને ઘટાડવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં ગુવારનો ઉપયોગ ગુણકારી ગણાય છે. 

ગુવારમાં સમાયેલાં પોષક તત્ત્વોની વાત કરીએ તો 100 ગ્રામ ગુવારફળીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ 5.31 ગ્રામ છે. ડાયેટરી ફાઈબરની માત્રા 3.7 ગ્રામ, પ્રોટીન 3 ગ્રામ ફેટની માત્રા 1 ગ્રામથી પણ ઓછી હોય છે. કૅલ્શિયમની માત્રા 156 મિલિગ્રામ, આયર્ન 3.96 મિલિગ્રામ, વિટામિન સી 2.3 મિલિગ્રામ, શર્કરા 2 ગ્રામ, ઊર્જા 35 કિલો કૅલરી, વિટામિન એની સાથે તેમાં ફૉલેટ, ફોસ્ફરસ, પોટેશ્યિમ તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ સમાયેલું હોય છે. 

ગુવારના સ્વાસ્થ્યવર્ધક ગુણ 

ડાયાબિટીસની વ્યાધિમાં લાભકારી : ગુવારનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. તેમ જ તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જેને કારણે લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગુવારમાં ગૈલિકોટ્રિઍન્ટ હોય છે. જેથી તેનો ભોજનમાં ઉપયોગ કર્યા બાદ લોહીમાં શર્કરાની માત્રા વધતી નથી. આમ ગુવારનો ઉપયોગ ડાયાબિટીસની વ્યાધિમાં લાભકારી માનવામાં આવે છે. તેમ છતાં નિષ્ણાત તજજ્ઞની સલાહને અનુસરવી આવશ્યક છે.

કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : તાજી કૂણી ગુવારનું નિયમિત સેવન કરવાથી લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. સારા કૉલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. હૃદયથી સંબંધિત બીમારીથી રક્ષા કરવા માટે ગુવારનું સેવન શ્રેષ્ઠ ગણાય છે. ગુવારમાં પોટેશ્યિમ, ફાઈબર તેમ જ ફોલિએટની માત્રા ભરપૂર સમાયેલી છે.  

ઍનિમિયામાં લાભદાયક : ઍનિમિયાની સમસ્યા હોય તેમને માટે ગુવાર અત્યંત ગુણકારી ગણાય છે. કેમ કે ગુવારમાં ભરપૂર પ્રમાણમાં આયર્નની માત્રા સમાયેલી છે. જેથી ગુવારનું સેવન નિયમિત મોસમમાં કરવાથી લોહીમાં આયર્નની માત્રા જળવાઈ રહે છે. જેને કારણે આયર્નની ઊણપને કારણે શરીરમાં દેખાતી નબળાઈ, ચક્કર આવવાં કે થોડું કામ કર્યા બાદ થાક લાગવો જેવી ફરિયાદ કરવાનો મોકો મળતો નથી. 

હાડકાંની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી : ગુવારમાં સારા પ્રમાણમાં ફોસ્ફરસ તેમ જ કૅલ્શ્યિમનું પ્રમાણ સમાયેલું હોય છે. જેને કારણે ગુવારનું સેવન કરનાર વ્યક્તિના હાડકાં બરડ બનતાં નથી. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે. 

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : ગુવારફળીમાં હાઈપોદ્લાઇસેમિક તેમ જ હાઈપોલાઇપિડેમિક ગુણ સમાયેલાં હોય છે. જે હાઈ બ્લડપ્રેશર ધરાવતાં દર્દીઓ માટે તે સૌથી શ્રેષ્ઠ પ્રાકૃત્તિક ઉપચાર ગણવામાં આવે છે.

ગુવારફળીનો ઉપયોગ આંતરડાની સમસ્યાથી રાહત અપાવે છે : ગુવારમાં રેચક ગુણ સમાયેલો હોય છે. જે વ્યક્તિની જુદી-જુદી આતરડાંની સમસ્યાથી રાહત અપાવે છે, પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ભોજન ગ્રહણ ર્ક્યા બાદ આંતરડામાં ઝેરીલાં પદાર્થોનું નિર્માણ થાય છે. તેને શરીરમાંથી મળ દ્વારા બહાર કાઢી નાખવામાં મદદ કરે છે. 

વિશ્વમાં ગુવારનો જેટલો પાક થાય છે તેનો 80 ટકા પાક ભારતમાં થાય છે. ભારતમાં ગુવારની ખેતી મુખ્યત્ત્વે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત તથા ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. તેમાં પણ સંપૂર્ણ દેશની ગુવારના પાકની ખેતીમાંથી 87.7 ટકા ખેતી તો ફક્ત રાજસ્થાનમાં થાય છે. ગુવારની ખેતી ઓછા વરસાદમાં કે વિપરીત પરિસ્થિતિમાં સરળતાથી કરી શકાય છે. વળી જ્યાં કોઈ પાક લઈ શકાતો ના હોય ત્યાં ગુવારની ખેતી આસાનીથી કરી શકાય છે. 

ગુવારને ગરમ મોસમનો પાક કહેવામાં આવે છે. બાજરો તેમ જ જુવારની સાથે ભેળવીને ગુવારફળીનું વાવેતર કરવામાં આવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. તેના છોડમાંથી ગ્લેક્ટોમેનન નામક ગુંદર બને છે. ગુવારમાંથી બનતાં ગુંદરનો ઉપયોગ દૂધમાંથી બનતી વિવિધ મીઠાઈ કે આઈસક્રીમ કે પનીર બનાવવામાં થાય છે. ગુવારનો બીજો ઉપયોગ પશુચારા તરીકે કરવામાં આવે છે. દુધાળા પશુઓને ગુવારનો ચારો આપવામાં આવે તો તેમની દૂધ આપવાની ક્ષમતા વધી જાય છે. 

નાગરોના ઘરે બનતું ગુવાર-કોળાનું કાઠિયાવાડી શાક 

સામગ્રી : 250 ગ્રામ ગુવાર, 100 ગ્રામ કોળું 1 ચમચી શેકેલો ચણાનો લોટ, 1 ચમચી આદું-લસણની પેસ્ટ, 1 ચમચી તલ-સિંગદાણાનો ભૂકો, 1 ચમચી ગોળ, અડધી ચમચી આમચૂર પાઉડર, સ્વાદાનુસાર મીઠું, વઘાર માટે ઘી, 1 નાનો ટુકડો દગડફૂલ, વઘાર માટે 2 ચમચી ઘી, 1 નાની ચમચી અજમો, 1 ચમચી ગરમ મસાલો઼, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું, ચપટી હળદર, સજાવટ માટે કોથમીર.

બનાવવાની રીત : સૌ પ્રથમ ગુવારને વહેતાં પાણીથી ધોઈ લેવી. તેને બંને બાજુથી કાપી લેવી. તેને આખી જ રાખવી. કોળાના સપ્રમાણ ટુકડાં કરવાં. કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં અજમો-હિંગ-દગડફૂલ મૂકીને વઘાર તૈયાર કરવો. તેમાં 1 ચમચી લોટ શેકી લેવો. સિંગદાણા-તલનાં ભૂકાને સાંતળવો. આદું-લસણની પેસ્ટ સાંતળવી. 1 ગ્લાસ ભરીને હૂંફાળું પાણી ઉમેરવું. પાણી ઉકળવા લાગે એટલે આખી ગુવાર તેમ જ કોળું ભેળવવું. ધીમા તાપે 10 મિનિટ શાકને ચઢવા દેવું. ત્યારબાદ તેમાં ગોળ, આમચૂર પાઉડર ભેળવવો. ધાણાજીરું, લાલ મરચું, ચપટી હળદર ભેળવીને શાકને થોડું સિઝવવું. કોથમીરથી સજાવીને ગરમાગરમ પરાઠા સાથે આખી ગુવાર-કોળાના સ્વાદિષ્ટ શાકની લહેજત માણવી. આખી ગુવાર-કોળાનું શાક શુદ્ધ ઘીમાં બનાવેલું વધુ સ્વાદિષ્ટ લાગે છે.