Tue Aug 18 2026

Logo

મને બીજું જીવન મળ્યું, પીએમ મોદીએ મને માફ કરી; પ્રધાનમંત્રીને અપશબ્દ કહેનારી છોકરીનો નવો વીડિયો

2026-08-02 11:40:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરનારી 15 વર્ષની છોકરીનો એક નવો વિડીયો સામે આવ્યો છે. આ નવા વિડીયોમાં તે કહેતી સંભળાઈ રહી છે કે, 'હું ખૂબ ખુશ છું' કે પીએમ મોદીએ મને માફ કરી દીધી. આ મારા માટે ખૂબ મોટી વાત છે.

વિડીયોમાં છોકરી આગળ કહે છે કે એક રીતે આ મને બીજું જીવન મળ્યું છે. મેં એટલી મોટી ભૂલ કરી હતી કે મેં બિલકુલ પણ વિચાર્યું નહોતું કે મને માફી મળશે. એક ક્ષણ માટે મને લાગ્યું હતું કે જાણે કે મારું સર્વસ્વ પૂરું થઈ ગયું છે. પરંતુ પીએમ મોદીએ મને તુરંત માફ કરી દીધી.

તેણે જણાવ્યું કે પીએમ મોદીએ મને માફ કરી તો હું રડવા લાગી હતી, કારણ કે જે માણસ વિશે મેં આટલા ખરાબ અપશબ્દો કહ્યા હતા, તેમણે જ મને માફ કરી દીધી. તેણે એ પણ કહ્યું કે મેં ખૂબ ખરાબ શબ્દો કહ્યા હતા, મને માફ કરી દેવી એ મારા માટે ખૂબ મોટી વાત છે.

સમગ્ર દેશના લોકો પાસે માંગી હતી માફી

આ પહેલાં પણ છોકરીએ એક વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયોમાં તે સમગ્ર દેશના લોકો પાસે માફી માંગતી જોવા મળી રહી હતી. તેણે આ વિડીયોમાં કહ્યું હતું કે 'હું ખૂબ શરમ અનુભવી રહી છું', હું નજર ઊંચી કરીને વાત પણ નથી કરી શકતી. સાથે જ તેણે પોતાની ઉંમરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'હું માત્ર 15 વર્ષની છું', કારણ કે નોઇડા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર (FIR)માં તેની ઉંમર 25 વર્ષ બતાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે છોકરીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સમગ્ર દેશ સામે હાથ જોડીને માફી માંગી છે.

CJPના પ્રદર્શનમાં કહ્યા હતા અપશબ્દો

પોલીસના જણાવ્યા અનુસાર, 23 જુલાઈ 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર પર થયેલા કૉકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન છોકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અશોભનીય અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ઘટનાની ફરિયાદ ગાઝિયાબાદના ઈંદિરાપુરમના નિવાસી સુપ્રીમ કોર્ટના વકીલ સ્મૃતિ સિંહે દિલ્હીમાં નોંધાવી હતી, જેના આધારે નોઈડા પોલીસે કાર્યવાહી શરૂ કરી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવતીના આ કૃત્યથી વડાપ્રધાનના બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચી છે. આ નિવેદન જાણી જોઇને વિદ્વેષ ફેલાવવા, સાંપ્રદાયિક કે સામાજિક તણાવ ઊભો કરવા અને લોક શાંતિનો ભંગ કરવાના હેતુથી આપવામાં આવ્યું હતું.