Sun May 31 2026

Logo

વૈશ્વિક સોનાચાંદીમાં આગળ ધપતો ધીમો સુધારો, છતાં માસિક ધોરણે બે દાયકાનો સૌથી વધુ 13 ટકાનો ઘટાડો

2026-03-31 19:59:39
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
લંડન ખાતે આજે સતત બીજા સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ધીમી ગતિએ સુધારો આગળ ધપ્યો હતો. જોકે, વિશ્વ બજારમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની મુખ્ય કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જતાં સોનામાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી માર્ચ મહિનામાં સોનાના ભાવમાં અત્યાર સુધીમાં માસિક ધોરણે બે દાયકાનો સૌથી મોટો 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે મહાવીર જયંતી નિમિત્તે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી સ્થાનિક બજારનાં કોઈ ભાવની જાહેરાત ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા વધીને આૈંસદીઠ 4559.46 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 4588 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 4.2 ટકા ઉછળીને આૈંસદીઠ 72.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

વર્તમાન માર્ચ મહિનામાં અત્યાર સુધી સોનાના ભાવમાં માસિક ધોરણે ઑક્ટોબર, 2008 પછીનો સૌથી મોટો 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, ગત જાન્યુઆરી મહિનામાં ભાવ વધીને 5594.82 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હોવાથી ત્રિમાસિક ધોરણે ભાવમાં પાંચ ટકાનો સુધારો જોવા મળ્યો છે. 
અગાઉ સોનાના ભાવમાં બોલાયેલા કડાકાની સરખામણીમાં તાજેતરમાં જોવા મળેલો સુધારો અત્યંત નગણ્ય કહી શકાય, એમ એક સ્વતંત્ર વિશ્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાના તણાવમાંથી માત્ર અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ જ ઇચ્છે તો ઉગારી શકે તેમ છે અને જો તેમ થાય તો ક્રૂડતેલના ભાવ નીચા આવે, પરંતુ હજુ એવા કોઈ અણસાર નથી.

નોંધનીય બાબત એ છે ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ માર્ગ ખોલવામાં નહીં આવે તો ઈરાનના એનર્જી એકમો પર હુમલા કરવામાં આવશે તેવી ચેતવણી આપ્યા બાદ ઈરાને આજે વહેલી સવારે દુબઈ નજીક એક ઓઈલ ટેન્કરને ઉડાવી દેતા આગ લાગી હતી. 

વધુમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને વૈશ્વિક બજારો મંદીની ગર્તામાં સરી જવાની ભીતિને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં પણ માસિક ધોરણે ગત જુલાઈ પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સામાન્યપણે ફુગાવો વધે તેવા સંજોગોમાં સોનામાં રોકાણકારોની હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ ફુગાવો વધવાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે અને તંગ નાણાનીતિ લાંબા સમયગાળા સુધી જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અથવા તો ગત 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 14 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુદ્ધ પૂર્વે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવો આશાવાદ મૂકી રહ્યા હતા, જ્યારે હવે બજાર વર્તુળોએ વ્યાજદરમાં કાપ મૂકાય તેવી આશા પડતી મૂકી દીધી છે. 
જોકે, લાંબાગાળે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા ગોલ્ડમેન સાશે વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના ભાવ 5400 ડૉલર આસપાસ રહેવાની તેમ જ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા એક નોટ્સમાં વ્યક્ત કરી છે.