(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવમાં થયેલા વધારાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ ગત 21મી નવેમ્બર પછીની નીચી સપાટી સુધી ગગડી ગયા હતા અને આૈંસદીઠ 4100 ડૉલરની સપાટી ગુમાવી હતી. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
આમ એકંદરે વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2355થી 2364નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 692ની નરમાઈ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 692ના ઘટાડા સાથે રૂ. 2,32,591ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2355ના ઘટાડા સાથે રૂ. 1,44,202 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,44,782ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ 21 નવેમ્બર પછીની સૌથી નીચી સપાટી સુધી ગબડ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 4097.01 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4118 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.3 ટકાની તેજી સાથે આૈંસદીઠ 64.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા હતા અને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જો તહેરાન તાત્કાલિક ધોરણે શાંતિ કરાર માટે સહમત નહીં થાય તો વધુ આક્રમક હુમલા કરવામાં આવશે, એવું જણાવ્યું હોવાથી પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાની ભીતિ સપાટી પર આવતા ગઈકાલે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, હાલ સોનામાં ઓવરસોલ્ડ પોઝિશન હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે હવે ભાવમાં સુધારાતરફી વલણ રહે છે કે નફારૂપી વેચવાલીનું દબાણ રહે છે તે જોવું રહ્યું.
ગત મે મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં ત્રણ વર્ષની ઝડપી ગતિએ વધારો થયો હોવાના અહેવાલ હતા. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી કિંમતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ અત્યારના સંજોગો જોતા વધતા ફુગાવાને અંકુશમાં રાખવા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણલક્ષી અને હેજરૂપી માગ ઓછી રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બર અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 67 ટકા શક્યતા જોઈ રહ્યા છે.