Fri May 01 2026

Logo

રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 74નો ધીમો સુધારો, ચાંદીમાં રૂ. 2201નું બાઉન્સબૅક

2026-03-12 20:19:59
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવતા રેટ કટના આશાવાદ પર પાણી ફરી વળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી 1.4 ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2201નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારથી વિપરીત ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 73થી 74નો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2201ના બાઉન્સબૅક સાથે રૂ. 2,68,301ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની માગ નિરસ હતી અને માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી હતી. વધુમાં આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ટકેલા રહ્યા હોવા છતાં રૂપિયો નબળો પડવાથી આયાત પડતરો વધી આવતા હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 74 વધીને રૂ. 1,59,662 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 73 વધીને રૂ. 1,60,303ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ 5178.05 ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 5184.50 ડૉલર આસપાસ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકા વધીને આૈંસદીઠ 86.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

આજે ઈરાને અખાતી દેશો પર હુમલાઓ કર્યા હોવાથી મધ્યપૂર્વના દેશોમાં વિવાદ શાંત થાય તેવી શક્યતા પર પાણી ફરી વળતાં વિશ્વ બજારમાં એક તબક્કે ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ઈરાને ઈરાક પાસેના સમુદ્રમાં ઈંધણના બે ટેન્કરો પર કરેલા હુમલા પહેલા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 200 ડૉલર સુધી પહોંચે તે માટે સજ્જ રહેવા ચેતવણી આપી હતી. 

એકંદરે હાલની સ્થિતિ જોતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળવો જોઈએ, પરંતુ હાલમાં ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ રહેવાથી અને ફેડરલ દ્વારા રેટ કટ થાય તેવી શક્યતા પણ પાતળી બનવાથી સોનામાં સુધારો અટક્યો હોવાનું વિસ્ડમ ટ્રીના વિશ્લેષક નિતેશ શાહે જણાવ્યું હતું. 

વધમાં ગઈકાલે અમેરિકામાં ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવમાં અપેક્ષાનુસાર 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર પર સ્થિર થઈ છે. વાસ્તવમાં જોઈએ તો ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઉછાળાને કારણે ફુગાવાલક્ષી દબાણ વધવાની શક્યતા પ્રબળ હોવાથી આગામી 17-18 માર્ચની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ન હોવાનું એએનઝેડના વિશ્લેષક એક નોટ્સમાં જણાવ્યું હતું. જોકે, આગામી દિવસોમાં સોનામાં સલામતી માટેની તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની માગનો ટેકો મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.