Wed Aug 19 2026

Logo

વિશ્વ બજારથી વિપરીત સ્થાનિકમાં સોનું રૂ. 1160 ઝળક્યું, ચાંદી રૂ. 1310 ચમકી

2026-07-30 19:47:27
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા, પરંતુ આજે અમેરિકાએ ફરી ઈરાન પર હુમલા કર્યાના અહેવાલો સાથે ફરી પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને ફુગાવામાં વધારાની ચિંતાને કારણે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.

જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જા કૉમેક્સ વિભાગ પર  ફેડરલના નિર્ણય બાદ સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત બન્ને કિંમતી ધાતુઓમાં છૂટીછવાઈ માગનો ટેકો મળતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 1156થી 1160 ઝળક્યું હતું અને ચાંદીમાં રૂ. 1310નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારોની અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1310 વધીને રૂ. 2,18,665ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મુખ્યત્વે રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને ટેકે ભાવમાં સુધારતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1156 વધીને રૂ. 1,42,810 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1160 વધીને રૂ. 1,43,384ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 4062.30 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને 4060.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને આૈંસદીઠ 57.62 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બૅન્ચમાર્ક વ્યાજદર 3.50 ટકાની સપાટીએ યથાવત્‌‍ જાળવી રાખ્યા હતા અને ફેડના અધ્યક્ષ કેવિન વાર્શે ફુગાવાની સપાટી બે ટકા સુધી લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

દરમિયાન ઈરાને જોર્ડનમાં અમેરિકી દળો પર મિસાઈલ હુમલા કર્યાના જવાબમાં અમેરિકાએ પણ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનાં લક્ષ્યાંકો પર ડઝન જેટલા મિસાઈલ છોડ્યા હોવાનું અમેરિકી લશ્કરે જણાવતાં ક્રૂડતેલના ભાવમાં એક ડૉલર કરતાં વધુ માત્રામાં વધારો આવ્યો હતો.

આમ ક્રૂડતેલના ભાવ વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો સોના માટે નકારાત્મક પુરવાર થઈ શકે છે, એમ યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટૂનોવોએ જણાવ્યું હતું. સોનાના ભાવવધારા માટે રોકાણલક્ષી માગ આવશ્યક છે અને જો વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તો રોકાણલક્ષી માગ ખૂલી શકે, એમ તેમણે ઉમેર્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 65 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર જોઈ રહ્યા છે. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જૂન મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે બજારમાં સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.