Fri Apr 24 2026

Logo

વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 3229નો ચમકારો, સોનામાં રૂ. 420નો સુધારો

2026-04-24 20:20:34
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા-ઈરાન વચ્ચેની મડાગાંઠ યથાવત્‌‍ રહેતાં આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ જળવાઈ રહેતાં ફુગાવાની ચિંતાને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 3229નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનામાં મુખ્યત્વે ડૉલર સામે રૂપિયામાં વધુ 20 પૈસાનો ઘટાડો આગળ ધપ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 418થી 420નો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3229ના ઉછાળા સાથે રૂ. 2,43,825ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હોવા છતાં રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 418 વધીને રૂ. 1,50,872 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 420 વધીને રૂ. 1,51,479ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ભૂરાજકીય તણાવ વચ્ચે ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4683.23 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 4699 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 74.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ બંધ હોવાથી ક્રૂડતેલના ભાવમાં એકતરફી તેજી જોવા મળી હોવાથી ફુગાવામાં થનારા અપેક્ષિત વધારા અને તેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ થવાની ભીતિને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે મધ્ય પૂર્વમાં લશ્કરી કાર્યવાહીની શક્યતા અને દરિયાઈ માર્ગ ખૂલવા અંગેની અનિશ્ચિતતાને કારણે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં 18 ટકાનો ઉછાળો આવ્યો છે. 

ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતાં સોના અને ચાંદી જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ મર્યાદિત રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.