Wed Aug 19 2026

Logo

ઘાટકોપર અશોક નગરમાંથી પરિવારને  જગ્યા ખાલી કરાવવાના  બીએમસીના પ્રયાસ

2026-08-16 10:24:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ચિરાગ નગરના અશોક નગર વિસ્તારમાં રહેતા પરિવારોને બહાર કાઢવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફરી પ્રયાસ હાથ ધર્યા છે, જ્યાં ગયા  અઠવાડિયે એટલે કે ૧૨ ઓગસ્ટના રોજ ભેખડ ધસી પડવાથી ભૂસ્ખલનમાં કુલ આઠ લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય જખમી થયા હતા.

પાલિકાના અધિકારીના જણાવ્યાં અનુસાર મહાનગરપાલિકા લગભગ પચ્ચીસથી ૫૦ પરિવારોને સંવેદનશીલ વિસ્તાર ખાલી કરવા માટે સમજાવવામાં સફળ રહી છે. પાલિકાના ‘એલ’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર અનિલ જાધવે જણાવ્યું હતું કે અન્ય પરિવારોને પણ સ્થળાંતર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ સ્થળાંતર કરવાનો ઇનકાર કર્યો હતો, વૈકલ્પિક સ્થળે જવાને બદલે ત્યાં જ  રહેવાનું પસંદ કર્યું હતું. અહીં ભેખડ ધસી પડવાનું જોખમ વધુ હોવાથી વારંવાર રહેવાસીઓને આ વિસ્તાર ખાલી કરવાની વિનંતી કરવામાં આવી રહી છે પણ લોકોએ જગા ખાલી કરવાનો ઇનકાર કર્યો છે અને ત્યાં રહેવાનું પસંદ કર્યું છે. આ પહેલી વાર નથી જ્યારે તેમને વિનંતી કરવામાં આવી હોય. ચોમાસાં પહેલાં પણ તેમના વિસ્તારમાં બોર્ડ લગાવીને ભેખડ ધસી પડવાનું જોખમ વધારે છે અને તેઓએ ત્યાં રહેવું જોઈએ નહીં એવી ચેતવણી આપવામાં આવી હતી.

અનિલ જાધવે વધુમાં ઉમેર્યું હતું કે પાલિકાએ એ જિલ્લા કલેક્ટર અને ઍરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે, કારણ કે જે જમીન પર વસાહત આવેલી છે તે જમીન  તેમની માલિકીની છે. વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશોના આધારે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. સ્થળાંતર કરવા ઇચ્છુક પરિવારો માટે પાલિકાએ સાકીનાકાની મોહિલી સ્કૂલમાં કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરી છે, જ્યાં સંવેદનશીલ સ્થળ ખાલી કરવા સંમત થયેલા ઘણા પરિવારોને રાત્રિ આશ્રયસ્થાનો પૂરા પાડવામાં આવ્યા છે.

પાલિકા વારંવાર આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને અસ્થિર ડુંગરાળ વિસ્તારમાં ઊભા થતા જોખમ વિશે ચેતવણી આપી રહી છે અને તેમને સ્થળાંતર કરવા વિનંતી કરી રહી છે.  અધિકારીએ જણાવ્યું હતું કે વારંવાર વિનંતીઓ છતાં રહેવાસીઓનો એક વર્ગ સ્થળાંતર કરવાનો ઇનકાર કરી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અશોક નગરમાં ભેખડ ધસી પડવાથી આઠના  મોત થયાં હતા અને સાત અન્ય જખમી થયા હતા, જેના કારણે પાલિકા પ્રશાસને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા પરિવારોને સ્થળાંતરિત કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા હતા. મુંબઈના ૨૬ વહીવટી વોર્ડમાં લગભગ ૨૭૯ લેન્ડસ્લાઈડ પ્રોન એરિયા (ભેખડ ધસી પડવાના) વિસ્તાર છે.