ગાંધીનગરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરમાં ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે. દેશના GDPમાં 8.3 ટકા અને ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકાના યોગદાન સાથે રાજ્ય મોખરે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે.
LIVE: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજીત વાર્ષિક એક્ષ્પો GATE 2026ના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિતિ. સ્થળ : હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર. https://t.co/Uu0Cc1D20G
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 16, 2026
મુખ્ય પ્રધાને ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ પુરુ પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ગુજરાતની જે ખ્યાતિ છે તેમાં પોલિસી મેકિંગ માટે ગ્રાઉન્ડ રીપોર્ટ અને ફિડબેક આપવાનું મહત્વનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટના આયોજનથી લઈને એક્ઝીક્યુશનમાં પણ રાજ્ય સરકારની સાથે રહી છે.
મુખ્ય પ્રધાને ઉમેર્યુ કે, ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવીને મેઈક ઈન ઈન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડનો વડા પ્રધાને જે ધ્યેય રાખ્યો છે તે ગુજરાત ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, ઈ.વી. મેન્યુફેક્ચરીંગ, સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં લિડ લઈને સાકાર કરવા આગળ વધી રહ્યુ છે.
દેશના જી.ડી.પી.માં ગુજરાત 8.3 ટકા, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 31 ટકાનો ફાળો આપે છે. વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ સિદ્ધિ માટે અર્નિંગ વેલ-લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે તેમ મુખ્ય પ્રધાને ગુજરાતની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નું જે આહ્વાન કર્યુ છે તેને ગુજરાતની ક્ષમતાઓ રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વ સ્તરે વિકસાવીને પાર પાડશે તેવો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ટ્રેડ એક્સપોની આ બીજી કડીની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.