Tue Aug 18 2026

Logo

ગાંધીનગરમાં રોજનું 5 હજાર ભાડું ચૂકવી ચાલતું હતું જુગારધામ! પોલીસના દરોડામાં 21 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર પણ સકંજામાં

2026-08-15 16:49:14
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતની સાથોસાથ જ જુગાર રમવામાં પામ બનાવો સતત પોલીસ ચોપડે નોંધાતા રહે છે.  ત્યારે ગાંધીનગર જિલ્લાના પોર ગામમાં ચાલતા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અડાલજ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે પોર ગામની સીમમાં ચાલતા એક મોટા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો હતો. આ મેગા ઓપરેશનમાં પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ૨૧ જેટલા ખેલીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડીને કાયદેસરનો સકંજો કસ્યો છે.

પોલીસ ફરિયાદની સત્તાવાર વિગતો અનુસાર, અડાલજ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અજય ઉર્ફે અબ્દુલ ચંદુજી ઠાકોર નામનો શખ્સ પોર ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ઓરડી ભાડે રાખીને જુગારધામ ચલાવી રહ્યો છે. આ શખ્સ બહારથી માણસોને બોલાવી, જુગાર રમવાના સાધનો પૂરા પાડી અને નાળના પૈસા ઉઘરાવીને મોટા પાયે હાર-જીતનો જુગાર રમાડતો હતો. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે પંચોને સાથે રાખીને આ ઓરડી પર અચાનક છાપો માર્યો હતો, જ્યાં ઓરડીની અંદર બે અલગ-અલગ કુંડાળામાં બેસીને શખ્સો પાના-પત્તાનો જુગાર રમતા ઝડપાયા હતા.

દરોડા દરમિયાન પોલીસે ચારે બાજુથી કોર્ડન કરીને જુગાર રમતા કુલ 21 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી અંગજડતી અને સ્થળ તપાસમાં મોટી રકમ રિકવર કરવામાં આવી હતી. દાવ પરથી રૂ. 25000 અને આરોપીઓ પાસેથી રૂ. 415200 મળીને કુલ રૂ. 440200 ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, પકડાયેલા શખ્સો પાસેથી અલગ-અલગ કંપનીના 16 મોબાઈલ ફોન (જેની કિંમત રૂ. 124000 ) તેમજ ગંજીપાના અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ રૂ. 564200 નો તોતિંગ મુદ્દામાલ કબજે કર્યો છે.

આ જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર અજય ઠાકોરે આ ઓરડી વિજય બળદેવજી ઠાકોર નામના શખ્સ પાસેથી રોજના 5 હજાર રૂપિયાના ભાડેથી લીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ 21 આરોપીઓ અને ઓરડી ભાડે આપનાર ફરાર આરોપી વિજય ઠાકોર  વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ અડાલજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને આ ગુનામાં આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.