Mon Jul 27 2026

Logo

અમદાવાદમાં લોકોએ મેયરને આડે હાથ લીધા, મેયરે કોંગ્રેસના કયા નેતાને દોષિત ગણાવ્યા?

2026-07-27 11:43:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: ગુરુવારે પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં દિવસો સુધી પાણી ભરાઈ રહેવાથી AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે લોકોનો રોષ વધી રહ્યો છે. રસ્તાઓ, સોસાયટીઓ અને ચાલીઓમાં એકથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લાખો રહેવાસીઓ ફસાઈ ગયા હતા અને ઘરો તથા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું.

બોપલ વિસ્તારની મુલાકાત દરમિયાન મેયર હિતેશ બારોટને જનતાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં વણકરવાસ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ તેમને ઘેરી લીધા હતા અને પ્રશ્નોનો મારો ચલાવતા પૂછ્યું કે પૂરના પાણીને કેમ સમયસર બહાર કાઢવામાં ન આવ્યા?  અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેયર થલતેજ વોર્ડના ઇજનેરો સાથે ડ્રેનેજની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, તેમણે કહ્યું કે ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે પહેલેથી જ પંપ લગાવી દેવામાં આવ્યા હતા.

બારોટે જણાવ્યું  કે આસપાસના રસ્તા કરતા અસરગ્રસ્ત વિસ્તાર ઘણો નીચાણવાળો છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. મેયર હિતેશ બારોટે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસના એક પૂર્વ ઉમેદવાર અને પક્ષના કાર્યકરોએ રહેવાસીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે ભારે વરસાદને કારણે શહેરનું ડ્રેનેજ નેટવર્ક ભાંગી પડ્યું હતું, જેના કારણે અમદાવાદમાં લાખો લોકો ફસાઈ ગયા હતા. ઘણા મુસાફરો પોતાના વાહનો છોડીને ચાલીને ઘરે ગયા હતા, જ્યારે અનેક સોસાયટીઓએ વહીવટી તંત્રની મદદ મોડી મળતા જાતે જ પૂરના પાણી બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.

પક્ષના સૂત્રોએ સ્વીકાર્યું કે સંકટના સમયમાં અનેક કોર્પોરેટરોએ પૂરગ્રસ્ત વિસ્તારોની ન તો મુલાકાત લીધી ન અસરગ્રસ્ત પરિવારોની ખબર કાઢી. કોર્પોરેટરોની ગેરહાજરી અંગેની ફરિયાદો શહેર અને રાજ્ય બંને ભાજપ નેતૃત્વ સુધી પહોંચી હોવાના અહેવાલ છે.

પૂરના પાણી ઓસરી રહ્યા હોવા છતાં, રહેવાસીઓ હજુ પણ તેમના ઘરો અને સોસાયટીઓની અંદર કાદવ, કીચડ અને કચરા સામે ઝઝૂમી રહ્યા છે. અનેક લોકોએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ મદદ માટે ભાજપના કોર્પોરેટરો પાસે ગયા, ત્યારે તેમને અરજીઓની પૅન્ડિંગ સંખ્યા (બૅકલોગ)ને કારણે લેખિત અરજીઓ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્પોરેટરોને જવાબથી જનતાનો રોષ વધુ ભભૂક્યો હતો, ઘણા રહેવાસીઓએ વળતો જવાબ આપ્યો કે: "આ  વખતે જ્યારે તમે મત માંગવા આવો, ત્યારે તમારી સાથે એક અરજી પણ લઈને આવજો." મહત્વનું છે કે પૂરના પાણીથી ફર્નિચર, ઘરવખરી અને અનાજને નુકસાન થયું છે.