Mon Jul 27 2026

Logo

કચ્છના લખપતમાં તંત્રનું બુલડોઝર ફર્યું; 25 દુકાનો-કેબિનો જમીનદોસ્ત કરવામાં આવી

2026-07-27 12:41:00
Author: Vimal Prajapati
Article Image

ભુજ: કચ્છના લખપત તાલુકામાં સરકારી જમીનો પરના ગેરકાયદેસર કબ્જાઓ દૂર કરવા માટે વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે પણ દબાણહટાવો ઝુંબેશ ચાલુ રાખીને ઘડુલી ગામે સરકારી જમીન પર ખડકી દેવાયેલા પાકા બાંધકામો અને કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રની આ કાર્યવાહીથી 25 જેટલી ગેરકાયદેસર દુકાનો જમીનદોસ્ત કરી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

દબાણો હટાવવા માટે પૂર્વ નોટિસ આપવામાં આવી હતી

તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદેએ વિગતો આપતાં જણાવ્યું કે, ઘડુલી ખાતે સરકારી જમીન પર ખડકાયેલા દબાણો હટાવવા માટે પૂર્વ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલની આગેવાની હેઠળના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન 25 જેટલી પાકી દુકાનો અને કેબિનો તોડી પાડીને 28x25 મીટર જેટલી કિંમતી જમીન કબ્જે કરવામાં આવી હતી અને આ જમીનનો કબ્જો તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતને સોંપી દેવાયો છે.

ખુલ્લી કરાયેલી જમીન પર 'ગ્રામહાટ સંકુલ' ઊભું કરવામાં આવશે

બીજી તરફ, ઘડુલી ગ્રામ પંચાયતના સરપંચ નીલમબેન નીતિન પટેલે જણાવ્યું કે, તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ અને ગ્રામ પંચાયતની આવકના નવા સ્ત્રોત ઊભા થાય તે હેતુથી આ ખુલ્લી કરાયેલી જમીન પર 'ગ્રામહાટ સંકુલ' ઊભું કરવામાં આવશે. અહીં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 20થી 25 નવી દુકાનો તૈયાર કરી, સ્થાનિક વેપારીઓને રોજીરોટી મળી રહે તે માટે જાહેર હરાજી મારફતે ભાડાપટ્ટે આપવામાં આવશે.

અત્ર ઉલ્લેખનીય છે કે, લખપત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોનો ઉપદ્રવ વધ્યો છે, ત્યારે રવિવારની રજાના દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખીને વહીવટી તંત્રે કડક સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ તમામ ગેરકાયદેસર દબાણો સામે આ જ પ્રકારે ઝુંબેશ ચાલુ રહેશે.

(ઉત્સવ વૈદ્ય)