Mon Jul 27 2026

Logo

ભુજ શહેરના રીંગ રોડના આધુનિકીકરણ અને સુધારણા માટે રૂ. 94.30 કરોડ મંજૂર

2026-07-27 12:18:00
Author: Mumbai Samachar Team
Article Image

ધારાસભ્યની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગને સોંપાઈ જાળવણીની જવાબદારી; 9 માર્ગોનું કામ પૂર્ણ, બાકીના 5 પર કામગીરી પ્રગતિમાં

ભુજ: કચ્છના મુખ્ય મથક ભુજ શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહનને વધુ સરળ તથા સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રીંગ રોડના સુધારણા અને આધુનિકીકરણની યોજનાને વેગ આપવામાં આવ્યો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ 2005માં જીયુડીસી દ્વારા બનાવાયેલા આ રીંગ રોડ શહેરના વાહનવ્યવહાર માટે જીવાદોરી સમાન રહ્યા છે, પરંતુ સમય જતાં તેની જાળવણી અને મરામતની સમસ્યાઓ વિકટ બની હતી.

માર્ગોની કથળતી જાળવણી અંગે સ્થાનિક નાગરિકો અને તંત્ર વચ્ચે અવારનવાર પ્રશ્નો ઉદ્ભવતા હતા. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ભુજના ધારાસભ્યએ રાજ્ય સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી. આ રજૂઆતના હકારાત્મક પ્રતિસાદ રૂપે, ગુજરાત સરકારે રીંગ રોડની જાળવણી અને મરામતની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગને સોંપી છે, જેથી આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે.

રાજ્ય સરકારે રીંગ રોડના વાઈડનિંગ (પહોળા કરવા) અને રી-સરફેસિંગના કામ માટે કુલ રૂ. 94.30 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. નિયત નવ મહિનાની સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજના કુલ 14 રીંગ રોડ પૈકી 9 માર્ગો પર વાઈડનિંગ અને રી-સરફેસિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા પાંચ માર્ગો પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના પર વિભાગ દ્વારા સતત દેખરેખ રખાઈ રહી છે.

આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ પૂર્ણ થયા બાદ ભુજ શહેરના આંતરિક ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. બાયપાસ અને રીંગ રોડની સુવિધા સુદ્રઢ થતાં ભારે વાહનોને શહેરની અંદર પ્રવેશવાની જરૂર રહેશે નહીં, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા સરળ બનશે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. નવા અને પહોળા થયેલા માર્ગો વાહનચાલકોને મુસાફરીનો વધુ સુવિધાજનક અને સલામત અનુભવ પૂરો પાડશે.

ભુજના સર્વાંગી અને આધુનિક વિકાસમાં રીંગ રોડ સુધારણાની આ યોજના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે, જે શહેરના ભાવિ પરિવહન માળખાને મજબૂત બનાવવાની સાથે વિકાસને નવી દિશા આપશે તેવો વિશ્વાસ ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)