Tue Aug 18 2026

Logo

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે :તહેવારોના બદલાતા મિજાજ સાથે વેપારની ન ધારેલી તક પણ વધે છે

2026-08-09 09:58:00
Author: Sameer Joshi
Article Image

 

 

 

- સમીર જોશી

 

એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે તહેવારોમાં સેલ 12-14 લાખ કરોડ જેટલું થશે. શ્રાવણ મહિનાની શરૂઆત થાય, બીજા શબ્દોમાં અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે ઑગસ્ટ મહિનો આવે એટલે બધી બ્રાન્ડ પોતાને તહેવારો માટે તૈયાર કરી રાખે. ઓનમથી શરૂઆત કરી દિવાળી સુધીની સિઝન શરૂ થાય. આ સિઝનમાં બધી જ બ્રાન્ડ ઍક્ટિવ થઈ જાય છે, સ્પેશ્યલ કૅમ્પેઇન બનાવે છે, કારણ આ એક એવો સમય છે બધા માટે જેમાં તે બધા વર્ષનું 30-40 ટકા સુધીનું પોતાનું ટર્નઓવર કરી લે છે.

 

ઉપરોકત દર્શાવેલા અંદાજિત આંકડાઓમાં અમુક બદલાવ પણ જણાય છે. ભારતની માથાદીઠ આવક વધી છે અને તેથી કંપનીઓ ઉચ્ચ-મૂલ્યવાળાં ઉત્પાદનો તરફ લોકોનું વલણ જોઈ રહી છે તો નામી બ્રાન્ડના મૅનેજમેન્ટે નોંધ્યું છે કે બાહ્ય વૈશ્વિક દબાણ છતાં ગ્રાહકની આ સમય દરમિયાન ખરીદીની ભાવનામાં ફરક નહીં પડે. 

 

આપણે જોયું છે કે આ વર્ષે બ્રાન્ડ્સે  પાછલાં વર્ષો કરતાં વહેલા તહેવારોનાં માર્કેટિંગ કૅમ્પેઇન શરૂ કરી દીધાં છે. રિટેલર્સ અપેક્ષિત માગને પહોંચી વળવા માટે ડિજિટલ અને સ્ટોરમાં ખરીદીના અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દુનિયા ડિજિટલ ટેક્નૉલૉજીના પ્રતાપે નાની થતી રહી છે અને તેના કારણે મોટાં શહેરોની સરખામણીએ નાનાં શહેરો પણ હવે જોઈએ તેવાં ઉત્પાદનો ખરીદી શકે છે. આથી તેમની ખરીદી ક્ષમતા વધી રહી છે. આજે કોઈ પણ બ્રાન્ડ આવાં નાનાં શહેરો પર વધુ ફોકસ કરે છે.

 

આમ જોવા જઈયે તો આપણે ત્યાં તહેવારોની શરૂઆત ગણેશ ચતુર્થીથી શરૂ થઈ, ઓનમ, નવરાત્રિ, દુર્ગા પૂજા, દિવાળી સુધી પીક પર જઈ નૉર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટના મેજર તહેવારો કવર કરી લે છે. અર્થાત્ બ્રાન્ડ પ્રમોશનના શ્રીગણેશ ગણેશ ચતુર્થીથી થઈ જાય છે. આખા દેશ માટે દિવાળી એક મોટો તહેવાર ખરો, પણ આજે બીજા ઘણા તહેવારો છે જે આજે બીજાં રાજ્યોમાં પણ ઊજવાય રહ્યા છે. આનુ મુખ્ય કારણ છે; કૉસ્મોપૉલિટન સોસાયટી અને ટેક્નૉલૉજી. ઉદાહરણાર્થ, ગણપતિ આજે ફક્ત મહારાષ્ટ્રમાં નહીં પણ ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ એેટલા જ ઉત્સાહથી ઊજવાય છે. 

 

 દુર્ગા પૂજાના પંડાલો બધે જ શોભે છે, રાસ-ગરબાની રમઝટ ગુજરાતની સરહદ પાર પણ ગુંજે છે. કર્વા ચૌથમાં આપણી ગુજરાતી યુવતી તેની પંજાબી ફ્રેંડને કંપની આપવા ઉપવાસ રાખે છે અને પતિ પાસે ગિફ્ટની અપેક્ષા પણ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તહેવારો ક્રૉસ બૉર્ડર ઊજવવાના શરૂ થઈ ગયા ત્યારે તેનો ફાયદો બ્રાન્ડને વધારે થઈ રહ્યો છે. આ માટે નવી માર્કેટ, નવા ઘરાકો, નવા સેગમેંટ અને સૌથી મહત્ત્વનું નવી તક બ્રાન્ડને પ્રમોટ કરવાની અને વેચવાની મળવા લાગી છે. બ્રાન્ડ માટે આવા નાના-મોટા તહેવારો નવી નવી તક લાવ્યા એની સાથે એ  આપણી રૂઢિઓને પણ ધીરે ધીરે બદલી છે, જેને  બિહેવિયેરલ ચેંજ કહે છે. વર્ષો પહેલાં નવાં કપડાં, બૂટ-ચપ્પલ, મીઠાઈઓ કે કશુંક નવું ઘરમાં વસાવવું એ દિવાળીની રૂઢી કે પરંપરા હતી. આજે બ્રાન્ડ પાવરે નવી ઘણી કૅટેગરી આપણા જીવનમાં આણી, જેવી કે ગ્રૂમિંગ અને બ્યૂટી સલોન્સ, ફેસ્ટિવ સિઝનમાં સારા લાગવું જ જોઈએ, મીઠાઈઓનું સ્થાન ચૉકલેટે, ચા- કૉફીનું સ્થાન ઠંડાં પીણાંએ લીધું, ટૂર ઑપરેટર્સ જે ફક્ત વેકેશનમાં ઍક્ટિવ થતા એ આજે ફેસ્ટિવ હોલિડે વેકેશનમાં પરિવર્તિત થઈ રહ્યા છે. અગાઉ સહ કુટુંબ સાથે જઈ ખરીદી કરતા અને આજે પોતપોતાની મનગમતી ચીજો ઑનલાઇન શૉપિંગ દ્વારા પોતાના સમયે પોતાની રીતે. ઘરમાં દિવાળીના નાસતા બનતા તેનું સ્થાન રેડી ટૂ ઇટ પૅકેજ્ડ ફુડ્સ અને રેડી નાસ્તાએ લીધું છે.

 

બીજા શબ્દોમાં કહીએ કે એક સમયે તહેવારોમાં બ્રાન્ડ પ્રમોટ થતી જ્યારે આજે બ્રાન્ડો તહેવારોને પ્રમોટ કરે છે. અને આ તહેવારોમાં બ્રાન્ડ આપણા જીવનમાં પ્રવેશી આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની જાય છે. સમય સાથે તાલ મેળવવાનું, સમય સાથે બદલાવ લાવવાનો અને નવા ટ્રેંડ્સ લાવવાનો ઘણો મોટો શ્રેય બ્રાન્ડની આવી વ્યૂહરચનાને જાય છે. આ વર્ષે પણ આ એવરગ્રીન સિઝન બધાને ફળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.